• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

સ્લમ ટુ સ્ટારડમ : કલાઘોડામાં મહિલાઓના હસ્તકૌશલ્યનો દબદબો

મુંબઈ, તા. 19 : મુંબઈનો પ્રતિષ્ઠિત `કલાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ' માત્ર કલાનું પ્રદર્શન નથી, પરંતુ અનેક કલાકારો માટે વૈશ્વિક ઓળખનું દ્વાર છે. આ વર્ષે આ મહોત્સવમાં ડો. ઈલાબેન ડેઢિયા સ્થાપિત `અન્વેષણમ ફાઉન્ડેશ' દ્વારા લગાવવામાં આવેલો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સ્ટોલ માત્ર વેચાણ જ નહીં, સ્લમ વિસ્તારની મહિલાઓનાં સન્માન અને સ્વાવલંબનની ગાથા રજૂ કરવા માટે હતો. - વેસ્ટમાંથી બેસ્ટ : કલા અને ગરિમાનો સંગમ  : અન્વેષણમ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. ફેસ્ટિવલ વિશે વાત કરતાં ડો. ઈલાબેને જણાવ્યું હતું કે, `અમારો હેતુ શહેરી ઝૂંપડપટ્ટીની સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો જ્યાં તેઓ પોતાની પ્રતિભા બતાવી શકે. આ મહિલાઓ પ્રિ-કન્ઝ્યુમર વેસ્ટ ફેબ્રિક (વધારાના કાપડ)માંથી સુંદર બેગ્સ અને જ્વેલરી બનાવી રહી છે, જે હાથોએ ક્યારેક માત્ર સંઘર્ષ જોયો હતો, તે આજે આત્મનિર્ભરતાનું સર્જન કરી રહ્યા છે.`  - નફાનો 100 ટકા હિસ્સો સીધો મહિલાઓના હાથમાં : આ ફાઉન્ડેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે, સ્ટોલ પર થતાં વેચાણનો 100 ટકા નફો સીધો જ તે જૂથની મહિલાઓને આપવામાં આવે છે. ફાઉન્ડેશન તેમને ટ્રાનિંગ, માર્કાટિંગ અને નાણાકીય માર્ગદર્શન આપે છે, પરંતુ તેમની કમાણીમાં કોઈ ભાગ લેતું નથી. - સફળતાનો સ્વાદ : હેરબેન્ડ્સ બની ફેવરિટ  : ચાર દિવસીય આ પ્રદર્શનમાં અન્વેષણમનો સ્ટોલ નફાકારક રહ્યો હતો. ખાસ કરીને વેસ્ટ ફેબ્રિકમાંથી બનાવેલી હેન્ડમેડ હેરબેન્ડ્સ મુલાકાતીઓમાં ભારે લોકપ્રિય થઈ હતી. મહિલાઓએ પોતે ગ્રાહકો સાથે વાતચીત કરી, ઉત્પાદનો સમજાવ્યા અને પોતાના કૌશલ્યનો આત્મવિશ્વાસ અનુભવ્યો. - અન્વેષણમ ફાઉન્ડેશન વિશે : 21 માર્ચ, 2023ના  સ્થપાયેલ આ સંસ્થા અત્યાર સુધીમાં 2000થી વધુ લાભાર્થીઓનાં જીવનને સ્પર્શી ચૂકી છે. `અન્વેષણમ' એટલે કે `શોધ' - માનવ ક્ષમતાઓની શોધ. આ સંસ્થા શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે.  

Panchang

dd