• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં યુવાનને ઢોર માર મરાતાં તેણે ગળેફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 19 : શહેરના સેક્ટર-1માંથી હરેશ સોમા રાણા (ઉ.વ. 30)નું અપહરણ કરી જી.આઇ.ડી.સી.માં લઇ જઇ તેને માર મારી ગોંધી રાખવામાં આવ્યો હતો જે અંગે લાગી આવતાં આ યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. યુવાનને મરવા મજબૂર કરનારા બે શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી અક્ષય ટ્રેડિંગ નામની કંપનીમાં હરેશ સોમાભાઇ રાણા નામના યુવાને ગળેફાંસો ખાઇ લઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ યુવાન અગાઉ અક્ષય ટ્રેડિંગમાં કામ કરતો હતો અને હાલમાં તે શહેરના સેક્ટર-1માં આવેલ ભગવતી રિપાવરિંગના વર્કશોપમાં હતો ત્યારે અક્ષય ટ્રેડિંગવાળો અક્ષય શૈલેશ ગાંધી તથા તેનો માણસ ધર્મેન્દ્ર અહીં આવ્યા હતા અને આ યુવાન હરેશ રાણાને બાઇકમાં બેસાડીને લઇ ગયા હતા. આ બંને શખ્સ યુવાનને જી.આઇ.ડી.સી. ખાતે અક્ષય ટ્રેડિંગમાં લઇ ગયા હતા જ્યાં યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તે રૂમને તાળાં મારી દીધા હતા. દરમ્યાન, આ યુવાનથી સહન ન થતાં તેણે કંટાળીને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાનને મરવા મજબૂર કરનાર અક્ષય ગાંધી અને ધર્મેન્દ્ર સામે મરણ જનાર યુવાનના મામા રમેશ સોમા પૂંજાભાઇ માજીરાણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd