ભુજ/ગાંધીધામ, તા. 19 : નખત્રાણાના
મોટા અંગિયા રહેતું દંપતી આજે સવારે પોતાની એક્ટિવા લઇ ભુજ આવવા નીકળ્યું હતું અને
ભડલી પાસે પાછળ બેઠેલાં પત્ની મરીયમબેન અદ્રેમાન બકાલી (ઉ.વ. 42) પડી જતાં માથાંમાં ગંભીર ઇજાના
પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજીતરફ ગઇકાલે મુંદરાના નાના કપાયામાં હોટેલના
હોજમાં પડેલા મૂળ રાજસ્થાનના ડ્રાઇવર એવા કૈલાશ કહાર રામનિવાસ કહાર (ઉ.વ. 34)નું ડૂબી જવાથી મૃત્યુ થયું
હતું. જ્યારે અંજારના અજાપરમાં 24 વર્ષીય પરિણીતા
પૂજાબેન દશરથભાઇ મોઢે તેમજ મુંદરાના શિરાચામાં પરપ્રાંતીય શ્રમજીવી એવા નીરજકુમાર ભગેન્દ્ર
મહેતાએ ગળેફાંસા ખાઇ જીવ દીધા હતા. બીજીતરફ ભચાઉના કુંજીસરની કંપનીમાં કામ કરતી વેળાએ
છત પરથી પટકાતાં 24 વર્ષીય શ્રમિક
યુવાન શારુકીબે જીવ ખોયો હતો. મોટા અંગિયામાં રહેતા અદ્રેમાન ભચુ બકાલી અને તેમના પત્ની
મરીયમબેન આજે સવારે તેમની એક્ટિવા નં. જી.જે.-12-એચ.ક્યુ.- 9354વાળી લઇને ભુજ આવવા નીકળ્યા હતા. સવારે 8.15 વાગ્યાના અરસામાં ભડલી પાસે
પહોંચતાં એક્ટિવા પાછળ બેઠેલા મરીયમબેન પડી ગયા હતા. આથી માથાંમાં ગંભીર ઇજા પહોંચતાં
પતિ અદ્રેમાને તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા હતા, પરંતુ સારવાર નસીબ થાય તે પૂર્વે તેમણે દમ તોડી
દીધો હોવાથી ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં
અદ્રેમાને વિગતો જાહેર કરી હતી. મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના એક ગામના હાલે નાના
કપાયામાં એમ પોર્ટ હોટેલની બાજુમાં આવેલી રામદેવ હોટેલમાં ચાલક એવા કૈલાશ કહાર ગઇકાલે
બપોરે હોટેલમાંના હોજમાં કોઇ પણ રીતે પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયાની વિગતો તેના
નાના ભાઇ મહેશ કહારે ગઇકાલે મુંદરા પોલીસ મથકમાં જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીતરફ કુંજીસરની કરમતારા નામની કંપનીમાં કામ કરનાર
શ્રમિક શારુકીબ નામનો યુવાન કંપનીની છત ઉપર ચડીને કામ કરી રહ્યો હતો તેવામાં અકસ્માતે
તે નીચે પટકાતાં ગંભીર ઇજાઓનાં પગલે તેનો જીવ ગયો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ
ધરી છે. કચ્છમાં સમયાંતરે કંપનીઓમાં શ્રમિકોનાં મોતના બનાવો બની રહ્યા છે તેવામાં વધુ
એક બનાવ બનતાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત સપાટી ઉપર આવ્યો હતો. મુંદરાના
સિરાચામાં અદાણી લેબર કોલોનીમાં રહેતા નીરજકુમાર મહેતોએ તા. 17/2ના સવારથી રાત દરમ્યાન કોઇ
પણ સમયે કોઇ અગમ્ય કારણોસર પંખામાં ગમછો બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો
મુંદરા પોલીસમાં જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
છે. અજાપરમાં રહેનાર પૂજાબેન નામના મહિલા ગત તા. 15/2ના પોતાના બે સંતાન સાથે ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા અને તા.
17/2 સુધી પરત આવ્યા નહોતા. દરમ્યાન, આ મહિલા પરત ઘરે આવી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો
અંત આણ્યો હતો. આ મહિલાએ કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે બહાર આવ્યું નથી,
જેની આગળની તપાસ અંજાર ડીવાય.એસ.પી.એ હાથ ધરી છે.