ભારતે તેની આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો વિસ્તાર કરવા માટે
નક્કર કાર્યયોજના અમલી બનાવી છે. આ યોજના તળે મિત્ર દેશોની સાથેના સંબંધોને નવા પરિમાણ
આપતી સંધી અને કરાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મંગળવારે મુંબઈમાં ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોં વચ્ચે થયેલી વાટાઘાટો બાદ બંને
દેશ વચ્ચે અલગ-અલગ વિષયો પર 21 સમજૂતી થઈ
છે. આ સમજૂતીઓથી બંને દેશ વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે અને તેને પગલે સંબંધોને ખાસ
વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનું નવું સ્વરૂપ મળ્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા અતૂટ રહી છે.
નવા-નવા કરારથી આ મિત્રતાને નવું સ્વરૂપ મળતું રહ્યંy છે, પણ હાલના વૈશ્વિક સમીકરણોમાં આ સંબંધોને
દ્વિપક્ષીય પરીભાષાની સાથોસાથ દુનિયાની સ્થિરતાની જરૂરતોને અનુરૂપ ઢાળવાની અનિવાર્યતા
સતત સામે આવતી રહી છે. ફ્રાન્સ સાથે થયેલી
21 સમજૂતીથી બંને દેશ વચ્ચેના
વેપાર અને આધુનિક ટેક્નોલોજીના આદાન-પ્રદાનને વધુ મજબૂત કરાશે તેની સાથોસાથ સંરક્ષણ
ક્ષેત્રે પણ ભારતની સ્થિતિ મજબૂત બનશે. ખાસ તો ભારત અને ફ્રાન્સે પરસ્પર રોકાણને વધારવા
માટે એક ખાસ સમજૂતી કરી છે, જેનાથી બંને
દેશના નાગરિકો અને કંપનીઓને બેવડો કર ચૂકવવામાંથી રાહત મળશે. આ સમજૂતીથી દ્વિપક્ષીય
વેપાર, રોકાણ અને આવનજાનને નવો વેગ મળી શકશે. સાથોસાથ ફ્રાન્સની
મદદથી કર્ણાટકમાં એરબસ એચ 12પ હેલિકોપ્ટરોના એસેમ્બલી પ્લાન્ટ શરૂ કરાયો છે. કાર્યરત થઈ ગયેલા આ પ્લાન્ટમાં માઉન્ટ એવરેસ્ટ જેવા
ઊંચા પર્વતો સુધી ઊડી શકે એવા શક્તિશાળી હેલિકોપ્ટરો તૈયાર કરાશે. રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી અંગે સંમતિ
જાહેર થઈ ગઈ છે. આવનારા દિવસોમાં આ માટેના
સત્તાવાર કરારની પણ તૈયારી છે. દરમ્યાન ફ્રાન્સની
સરંક્ષણ ઉત્પાદન કંપની સૈફરાન અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે
હૈમર મિસાઈલોના ઉત્પાદનનો પણ કરાર થયો છે.
આ કરારથી બંને દેશ વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સહયોગમાં નવો અધ્યાય જોડાઈ ગયો
છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ભારતે વેપાર સહયોગ વધારતા
કરાર વિવિધ દેશો સાથે કર્યા છે. બ્રિટન અને
ઓમાન સાથે વેપાર કરાર બાદ ન્યૂઝીલેન્ડ અને યુરોપીયન યુનિયનની સાથે મુક્ત વેપારના કરારને
આખરી ઓપ અપાયો છે. ભારતની સામે પ0 ટકા ટેરિફ લગાવીને વેપારના સંબંધોમાં કડવાશ ઊભી કરનારા અમેરિકાને
પણ હવે આ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવાની
ફરજ પડી છે. બંને દેશે વચગાળાના વેપાર કરારની જાહેરાત કરીને આર્થિક સહયોગ ફરી પાટે
ચડાવ્યો છે. ફ્રાન્સ સાથે વેપારની સાથોસાથ સંરક્ષણ ક્ષેત્રના સહયોગને વધારવા જે રીતે પ્રગતિ
સધાઈ રહી છે તે સાવ અનોખી છે. બંને દેશ વચ્ચેની મિત્રતા
વિકાસના નવા-નવા સોપાન સર કરી રહી છે.