રાપર, તા. 19 : આધુનિક સમયમાં લગ્નપ્રસંગો
ઘણીવાર વૈભવ, દેખાદેખી અને ખર્ચાળ આયોજન
માટે જાણીતા બન્યાં છે. પ્રિવાડિંગ ફોટોશૂટ, મોંઘી પાર્ટીઓ અને
વિદેશી ઉજવણીઓ વચ્ચે માનવતા અને જીવદયાને કેન્દ્રમાં રાખતો વિચાર દુર્લભ બન્યો છે.
આવા સમયમાં રાપર ખાતે મોરબીઆ પરિવાર દ્વારા સમાજને પ્રેરણા આપે તેવો અનોખો દાખલો રજૂ
કરવામાં આવ્યો છે. મૂળ રવ (રાપર) નિવાસી અને હાલ મુંબઈ સ્થાયી મોરબીઆ પરિવારે પોતાના
પુત્ર ધૈર્ય નરેન્દ્ર મોરબીઆ અને દૃષ્ટિ રાજેશ
મહેતાનાં લગ્નને ખુશીને સેવા સાથે જોડવાનો સંકલ્પ કર્યો. તા. 3 ફેબ્રુઆરી 2026ના ભુજ મુકામે યોજાયેલા લગ્નપ્રસંગના
અનુસંધાને રાપર સ્થિત જીવદયા મંડળ સંચાલિત પાંજરાપોળ ખાતે પરિવારજનોની હાજરીમાં પ્રિવાડિંગ
સેરેમની સાદગીપૂર્વક ઊજવાઈ હતી. એટલું જ નહીં
સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે માતબર રકમનું દાન આપવામાં આવ્યું. ભવ્ય મંચ અને આડંબરને
બદલે પરિવારે પાંજરાપોળમાં રહેલાં અબોલ પશુઓને ઘાસચારો ખવડાવી જીવદયાનો સંદેશ આપ્યો
હતો. સંસ્થામાં સેવા આપતા આશરે 160 જેટલા કર્મચારી, ગોવાળિયા અને મેડિકલ સ્ટાફને સ્વાદિષ્ટ ભોજન
કરાવવામાં આવ્યું અને ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી. આ પ્રવૃત્તિ પરિવારના આદર,
કૃતજ્ઞતા અને સંવેદનાનો જીવંત પરિચય હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિપુલભાઈ રસિકલાલ મહેતાએ
જણાવ્યું કે, વ્યક્તિગત આનંદને સમાજહિત સાથે જોડવાનો મોરબીઆ પરિવારનો
નિર્ણય ખરેખર પ્રશંસનીય અને અનુસરણીય છે. ધૈર્ય અને દૃષ્ટિ સહિત સમગ્ર પરિવારનું સંસ્થાના
હોદ્દેદારો વિપુલભાઈ, કીર્તિભાઈ મોરબીઆ, પ્રવીણભાઈ મોરબીઆ, પ્રવીણભાઈ ગાલા, જયસુખભાઈ ઘોડા, રમણિકલાલ ખંડોર અને રાજેશભાઈ મહેતા દ્વારા
સન્માન કરવામાં આવ્યું હતું. પરિવાર વતી પ્રવીણભાઈ
મોરબીઆએ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સેવકોનો આભાર માન્યો હતો.