પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 19 : રાજ્ય સરકારે સામાજિક અને આર્થિક
રીતે પછાત વર્ગોના લોકો માટે આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ
પગલાં લીધા છે. હવે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોના
વ્યક્તિઓને આવકનું પ્રમાણપત્ર આપવા માટે મામલતદાર (શહેરી વિસ્તાર માટે) અને તાલુકા
વિકાસ અધિકારી (ગ્રામ્ય વિસ્તાર માટે) સક્ષમ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સાથે પહેલાંના નિયમો રદ્દ કરવામાં આવ્યા છે અને નવી પ્રક્રિયા હેઠળ લાભાર્થીઓને વધુ
સરળ અને ઝડપી સેવા પ્રાપ્ત થશે. આવકના પ્રમાણપત્રની માન્યતા તે નાણાંકીય વર્ષમાં ઈશ્યુ
થયાના સમયથી આગળના ત્રણ નાણાંકીય વર્ષ સુધી રહેશે. જો આ સમયગાળા દરમિયાન અરજદાર અથવા
તેના કુટુંબની આવકમાં કોઈ ફેરફાર થાય, તો તે અંગેની જાણ આવકનું
પ્રમાણપત્ર આપનાર સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે તેમજ આવકના
પ્રમાણપત્રમાં માન્ય સમયગાળાનો સ્પષ્ટ ઉલ્લેખ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કરવો
અનિવાર્ય રહેશે, જેથી અરજદારોને ભવિષ્યમાં કોઈ ગેરસમજ ન થાય.
અરજદારો હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા આવકના પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. અગાઉ
જે ફિઝિકલ અરજીની જરૂરિયાત હતી, જેમાં તલાટી સમક્ષ સ્વ-કબુલાતનામું
અને ફોટો સાથે હાજરી આપવી પડતી, તે પ્રક્રિયા હવે સંપૂર્ણપણે
દૂર કરી આપવામાં આવી છે. આવક માટે અરજીનો નમૂનો, સ્વ-ઘોષણાનો
નમૂનો અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ પ્રમાણે નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ બદલાવથી અરજદારોને બિનજરૂરી પ્રવાસ અને સમયનો નુકસાન ટળશે, તેમજ સત્તાધિકારીઓ પરનો વહીવટી ભાર ઓછો થશે. ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો
મારફતે આવકના પ્રમાણપત્ર આપવામાં આવતા માર્ગદર્શક સૂચનો યથાવત રહેશે, જેથી સ્થાનિક સ્તરે પણ લાભાર્થીઓ સરળતાથી સેવા પ્રાપ્ત કરી શકે. ખોટી માહિતી
દર્શાવતી સ્વ-ઘોષણા રજૂ કરનાર અરજદારો માટે કાયદાકીય જવાબદારી સંપૂર્ણપણે અરજદારની
રહેશે, જે ખાતરી આપે છે કે પ્રક્રિયા પારદર્શક અને નિર્ભર બની
રહે.