• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

લંકાને ઘરઆંગણે લૂંટી ઝિમ્બાબ્વેએ...

કોલંબો, તા. 19 : વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે ટીમ જાયન્ટ કીલર સાબિત થઇ રહી છે. ગ્રુપ બીની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેએ વધુ એક અપસેટ સર્જીને ટૂર્નામેન્ટની સહયજમાન ટીમ શ્રીલંકાને હાર આપી છે. ઝિમ્બાબ્વેનો રસાકસી પછી અંતિમ ઓવરમાં 6 વિકેટે રોમાંચક વિજય થયો છે. આથી ઝિમ્બાબ્વે અપરાજિત રહી સુપર-8 રાઉન્ડમાં પ્રવેશી છે. તેના 4 મેચમાં 3 જીતથી 7 અંક છે. આયરલેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઇ હતી. શ્રીલંકા ટીમ 6 અંક સાથે સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે. ઝિમ્બાબ્વે અગાઉ ઓસ્ટ્રેલિયાને આ વર્લ્ડ કપમાં હારનો સ્વાદ ચખાડી ચૂકયું છે. ઝિમ્બાબ્વેએ જાહેર કરી દીધું છે કે, તેના ઈરાદા બુલંદ છ. ઈંગ્લેન્ડના ક્રિકેટર મોન્ટી પાનેસરે આગાહી કરી છે કે ઝિમ્બાબ્વે સેમિફાઈલનમાં રમશે. 179 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરી રહેલ ઝિમ્બાબ્વે તરફથી ઓપનર બ્રાયન બેનેટ 48 દડામાં 8 ચોક્કાથી 63 રને મેચ વિનિંગ ઇનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો. તેના અને કપ્તાન સિકંદર રઝા વચ્ચે ત્રીજી વિકેટમાં 40 દડામાં 69 રનની નિર્ણાયક ભાગીદારી થઇ હતી. રઝા 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 26 દડામાં 2 ચોગ્ગા-4 છગ્ગા સાથે 4પ રન કર્યાં હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ સિવાય ઓપનર મારૂમાનીએ ઉપયોગી 34 રન અને રાયન બર્લે 23 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ તેના ટી-20 ઇતિહાસનો બીજો સૌથી સફળ રન લક્ષ્યાંક સર કર્યોં હતો. 19.3 ઓવરમાં 4 વિકેટે 182 રન કરી જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી દુશાન હેમંતાને 2 વિકેટ મળી હતી. અગાઉ શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યાં હતા. પાછલી મેચમાં સદી કરનાર પથૂમ નિસંકાએ 41 દડામાં 8 ચોગ્ગા સાથે 62 રન કર્યાં હતા. પવન રત્નાયકેએ 2પ દડામાં ઝડપી 44 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી મુજરાબાની અને ક્રેમરે 2-2 વિકેટ લીધી હતી. 

Panchang

dd