• રવિવાર, 16 જૂન, 2024

ચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકોને મુશ્કેલી

રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 20 : કચ્છના ખેડૂતો બાગાયતી પાકો તરફ વળતાં ચારાનું વાવેતર ઘટયું છે. આથી ચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકોને પશુધન અને વ્યવસાય ટકાવવા અઘરા બન્યા છે. જિલ્લામાં દૂધ ડેરી ઉદ્યોગ ફુલ્યો-ફાલ્યો છે, જેના લીધે પશુધનમાં પણ અનેકગણો વધારો નોંધાયો છે અને પશુધનના લે-વેચના વ્યવસાય સાથે પશુધનના ભાવ પણ ઊંચકાયા છે, પરંતુ અહીંના ખેડૂતો બાગાયતી પાકો જેવા કે દાડમ, ખારેક, નાળિયેર સહિતના પાકોનું વાવેતર વધતાં અને ચારાનું વાવેતર ઘટતાં ચારાના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની સામે દૂધના ભાવમાં પૂરતા પ્રમાણમાં વધારો હોતાં માલધારીઓ કહી રહ્યા છે કે હાલની પરિસ્થિતિએ પશુધન અને વ્યવસાયમાં પણ હવે ટકવું મુશ્કેલ છે. આથી ભાવમાં સમાનતા જળવાય તે જરૂરી હોવાનું માલધારીઓનો સૂર છે અને ડેરી ઉદ્યોગ પણ ભાવ વધારવાના બદલે ફેટ ઉપર 10 પૈસાનો ઘટાડો કરતાં, જે માલધારીઓ ઉપર આર્થિક ફટકો છે. પશુપાલકોની વિકટ પરિસ્થિતિ અંગે તપાસ કરતાં જોયું તો હાલમાં ઘઉંની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે ઘઉંમાંથી પશુઓ માટે નીકળતો ચારો જેને પરાર કહેવાય, જેના ભાવ હાલમાં 40 કિલો એટલે એક મણના 300થી 350 છે, જ્યારે સૂકા વતરાના 500 રૂપિયા ભાવ છે. તો ખાણ-દાણના ભાવ જોતાં ભૂસું 1100થી 1180 અને ખડ 1500થી 1580 જેટલા એક ગૂણીના ભાવ ચાલે છે, જેની સામે ગાયનાં દૂધના ભાવ એક લિટરના 40થી 45 રૂપિયા જ્યારે ભેંસનાં દૂધના ભાવ 55થી 60 રૂપિયે વેચાણ થઇ રહ્યું હોવાનું માલધારીઓ કહી રહ્યા છે, જેથી ચારાના ભાવ આસમાને હોતાં સામે દૂધના ભાવમાં પૂરતો વધારો હોતાં માલધારીઓને હાલની પરિસ્થિતિએ પરવડતું નથી તેવો સૂર સંભળાય છે. અંગે દૂધ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ કાનાણીએ જણાવ્યું કે, ખેતી અને પશુપાલનનો વ્યવસાય એકબીજાના પૂરક છે. પરંતુ અહીંના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતાં ચારાનું વાવેતર ઘટયું છે, જેના લીધે ચારાના ભાવ વધી ગયા છે, પણ દૂધના ભાવ તો `જૈસે થે'ની પરિસ્થિતિમાં હોતાં હવે વ્યવસાયમાં પણ તકલીફ ઊભી થવા માંડી છે, તો બીજીતરફ ગાય-ભેંસની ખરીદી કરવી હોય તો દિવસે તારા જોવા પડે એટલા મોંઘા ભાવ છે અને પછી પણ ચારો મોંઘો હોતાં તેનો નિભાવ અઘરો બન્યો છે, જેથી તેમાં સમાનતા જળવાય તે જરૂરી હોવાનું કહ્યું હતું. ઉપરાંત પશુપાલન વ્યવસાયમાં રાત-દિવસ એક કરતા અનિલભાઇ સામરાભાઇ ગઢેરાએ આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે, 25થી 30 ગાય-ભેંસ ઘરઆંગણે બાંધી હોય તો અન્ય વ્યક્તિને એમ લાગે કે તો મોટો માલધારી છે અને સારી આવક ધરાવતો હશે, પણ અનુભવ હોય એને ખબર હોય. ઘઉંના પરારના ભાવ આસમાને, તો રાજકોટ કે અન્ય સ્થળેથી ચણાના ચારાની ખરીદી કરીએ છીએ જેના પણ મણ 350ના ભાવે આવે છે, તો ભૂસાંના ભાવ પણ ઊંચા છે, જેથી માલધારી ધારે તો વર્ષે 25માંથી 30 ભેંસ કરી લે તે હવે સમય નથી રહ્યો. કાળી મજૂરી કરીએ તો માંડ માંડ કુટુંબ-પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી પરિસ્થિતિ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang