ચંદીગઢ, તા. 2 : પંજાબના રાજકારણમાં આમ આદમી પાર્ટી માટે સંકટના
વાદળો વધુ ઘેરા બન્યા છે. પાર્ટીમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે આપને વધુ એક મોટો
આંચકો લાગ્યો છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ
સિંહે પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું
વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાં મોકલી આપ્યું છે. કુંવર વિજય તેમજ ચેતન સિંહ અને
હરમિત સિંહ એમ ત્રણેય નેતા આજે ભાજપમાં જોડાઇ ગયા હતા. રવિવારે જ સમાના બેઠકના ધારાસભ્ય
ચેતન સિંહ જોડામાજરા અને સનોર બેઠકના ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાએ પક્ષમાંથી રાજીનામું
આપ્યા બાદ, કુંવર વિજય
પ્રતાપ સિંહનું રાજીનામું એ 24 કલાકમાં આપને લાગેલો ત્રીજો મોટો ઝટકો છે. આ ત્રણેય
નેતાઓ પછીથી ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. કુંવર
વિજય પ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાના રાજીનામાના પત્રની નકલ
શેર કરતા લખ્યું હતું કે, `મેં પંજાબ
વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.' અધ્યક્ષને મોકલેલા પત્રમાં તેમણે 1 નવેમ્બર, 2026થી જ પોતાનું રાજીનામું અમલી ગણવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, કુંવર વિજય પ્રતાપ સિંહને ગયા
વર્ષે જૂન મહિનામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર આપમાંથી પાંચ વર્ષ માટે નિલંબિત
કરવામાં આવ્યા હતા. કુંવર વિજય પ્રતાપ સિંહે 2021માં પોલીસ સેવામાંથી વીઆરએસ લઈને આમ આદમી પાર્ટીનો હાથ ઝાલ્યો હતો. ત્યારબાદ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ અમૃતસર નોર્થ બેઠક પરથી જંગી મતોથી વિજેતા બન્યા
હતા. હવે તેમના રાજીનામા બાદ અને ભાજપમાં જોડાવાની ચર્ચાઓથી પંજાબનું રાજકારણ ગરમાયું
છે.