• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રોકાણકારોનાં હિતમાં સેબીની પહેલ

નવી દિલ્હી, તા. 2 : ભારતીય શેરબજારમાં સ્થાનિક રોકાણકારોને મોટી રાહત આપવા તેમજ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કેન્દ્ર સરકાર સમક્ષ ટેક્સ સંબંધિત બે ક્રાંતિકારી પ્રસ્તાવો રજૂ કર્યા છે. અહેવાલ મુજબ, સેબીએ વિદેશી રોકાણકારો પર લાગતો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે પણ એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં રોકાણ બદલવા (સ્વાચિંગ) પર ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ મુકાયો છે. ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટના ત્રણ મહિના પહેલાં જ સેબી દ્વારા કરવામાં આવેલી આ ભલામણો પર હવે કેન્દ્ર સરકાર આખરી નિર્ણય લેશે. કેપિટલ ગેઈન્સ ટેક્સ અંગે સેબીના બે મુખ્ય પ્રસ્તાવ વિદેશી રોકાણકારો માટે એલટીસીજી નાબૂદ કરવો: સેબીએ ભલામણ કરી છે કે વિદેશી રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવે, જેથી ભારતીય બજારમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ વધારી શકાય. મ્યુચ્યુઅલ ફંડના સ્વાચિંગ પર ટેક્સ માફી: જો સ્થાનિક રોકાણકારો એક વર્ષથી વધુ સમય સુધી રાખેલી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને વેચીને બીજી કોઈ સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને `ટેક્સેબલ સેલ' ગણવામાં ન આવે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જ પોતાના નાણાં જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક વર્ષથી વધુ સમય માટે રાખેલી સિક્યોરિટીઝ પર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગે છે. એક વર્ષ કે તેથી ઓછા સમયમાં કરાતા વેચાણ પર 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ વસૂલવામાં આવે છે. આ સિવાય શેરની ખરીદ-વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને ડિવિડન્ડ પર વિથહોલ્ડિંગ ટેક્સ પણ ચૂકવવો પડે છે. સેબીનું માનવું છે કે, અન્ય વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં ઈક્વિટી રોકાણ સાથે જોડાયેલ ટ્રાન્ઝેક્શન કોસ્ટ (વ્યવહાર ખર્ચ) ખૂબ જ વધારે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd