નવી દિલ્હી, તા. 2 : ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું છે કે ન્યાયિક પ્રક્રિયાને
વધારે ઝડપી, પારદર્શક
અને પ્રભાવી બનાવવાની જરૂરીયાત ઉપર વિચાર કરવો જોઈએ. હાઈ કોર્ટમાં પેન્ડિંગ કેસની ઝડપી
સુનાવણી માટે સતત સુપ્રીમ કોર્ટ આવતા અરજકર્તાની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિ વિચારવાની
તક છે કે ન્યાય વ્યવસ્થામાં સુધારાને કેટલો અવકાશ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું
જરૂરી મામલાની ઓળખ યોગ્ય રીતે થઈ શકે છે ? શું સુનાવણીની તારીખ
નક્કી કરવાની પ્રક્રિયાને વધારે પારદર્શક અને ભરોસાપાત્ર બનાવી શકાય તેમ છે
? શું ટેક્નીકની મદદથી એવા કેસને પ્રાથમિકતા મળી શકે જેમાં વિલંબથી કોઈ
પક્ષને નુકસાન થઈ શકે તેમ છે. સીજેઆઈએ કોચ્ચિમાં કેરળ હાઈ કોર્ટની સ્થાપનાને 75 વર્ષ પુરા થવા ઉપર આયોજીત સમારોહમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે હંમેશાં હાઈ કોર્ટની
સંસ્થાગત સ્વતંત્રતા અને પોતાના મામલાની સુનાવણીનો ક્રમ નક્કી કરવાના અધિકારનું સન્માન
કર્યું છે. તેમ છતાં હાઈ કોર્ટમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં
પહોંચવાની પ્રવૃત્તિ ઉપર વિચાર કરવાની જરૂરીયાત છે. કોઈપણ વ્યક્તિને સમયે ન્યાય મેળવવા
માટે દિલ્હી સુધી જવાની જરૂરિયાત પડવી જોઈએ નહી. ભારતમાં સંવૈધાનિક ન્યાય વ્યવસ્થા
માત્ર દિલ્હી સુધી સીમિત નથી. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, દેશભરમાં રહેલી 25 હાઈ કોર્ટ મજબૂતીનો આધાર છે. આ અદાલતોની જવાબદારી
નાગરિકોના અધિકારોની રક્ષા કરવી અને કાનૂનનું શાસન બનાવી રાખવાની છે. હાઈ કોર્ટ સ્થાનિક
લોકોની ભાષા, ક્ષેત્રીય
સમસ્યાઓ અને સરકારી ફેંસલાની અસરને સારી રીતે સમજી શકે છે. સંવિધાનના અનુચ્છેદ 226 હેઠળ અલગ અલગ કાનૂની, પ્રશાસનિક અને સરકારી મામલામાં પ્રભાવી રાહત આપવાનો અધિકાર મળ્યો છે.