• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

આઈપીઓ પછી જિઓનું લિસ્ટિંગે વિક્રમી

મુંબઈ, તા. 28 : ભારતીય શેરબજારમાં મુકેશ અંબાણીની કંપની જિઓ પ્લેટફોર્મ્સે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વિક્રમતોડ આઇપીઓ અને રોકાણકારોના જબરદસ્ત ઉત્સાહ બાદ આજે કંપનીનાં શેર એનએસઇ ઉપર આઇપીઓના ભાવથી આશરે 21 ટકા પ્રિમિયમ એટલે કે ઊંચા ભાવે લિસ્ટ થયા હતા. જિઓની આ શાનદાર શરૂઆતને ભારતીય મૂડી બજારને એક મોટી ઘટના માનવામાં આવે છે. દેશનાં સૌથી મોટા આઇપીઓ તરીકે શેરબજારમાં પ્રવેશીને પહેલા દિવસ જ પોતાનાં શેરધારકોને જિઓએ કમાવી દીધા છે. આજે 21 ટકા પ્રિમિયમ સાથે 1358ના ભાવે નોંધાયેલા જિયો પ્લેટફોર્મ્સનાં શેરના ભાવ સમગ્ર કારોબારી દિવસ દરમિયાન તેજીમાં ટકી રહ્યા હતા અને દિવસનાં અંતે 26 ટકાના ઉછાળા સાથે 1417 ઉપર બંધ આવ્યા હતા. આ શાનદાર  લિસ્ટિંગ સાથે જ જિયો દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું અને હવે તેનાથી આગળ એકમાત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. જેનું માર્કેટ કેપ 16.12 લાખ કરોડ રૂપિયા છે. જિયોનાં લિસ્ટિંગ ઉજવણી સમારોહમાં અનંત અંબાણીએ કહ્યું હતું કે, આખા દેશે કંપનીને દુઆ આપી છે. કોઈએ આને જિયો મેરે લાલ તો કોઈએ જુગજુગ જિયો કહીને લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, આજે એક્સચેન્જમાં જે ઘંટી વાગશે તે મારા માટે મંદિરનાં ઘંટ સમાન હશે કારણ કે વેપાર મારા માટે પૂજા છે અને દરેક પૂજાનું સમાપન પ્રસાદ સાથે થાય છે. અનંતે જ્યારે જિયોની કામયાબીની વાત કરી ત્યારે તેમનાં પિતા મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા. તો આકાશ અંબાણીએ કહ્યું હતું કે, લિસ્ટિંગ અંતિમ પડાવ નથી પણ એક નવી શરૂઆત છે. રિલાયન્સે પ0 વર્ષ સુધી જે કામ શેરધારકો માટે કર્યું હતું એ હવે જિયો આગામી પ0 વર્ષ સુધી કરશે. તેમણે દીર્ઘદૃષ્ટિનો શ્રેય મુકેશ અંબાણીને આપ્યો હતો. તેમણે કહ્યું કે, મોટું વિચારવું અને દીર્ઘદૃષ્ટિ રાખવી રિલાયન્સની મૂળ કાર્યશૈલી રહી છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ આ દિવસને ઐતિહાસિક અને ભારતની ડિજિટલ યાત્રામાં એક અસાધારણ સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાખો ભારતીયોને જોડવાના મહત્ત્વાકાંક્ષી પ્રયાસ તરીકે શરૂ થયેલું આ પગલું વૈશ્વિક ટેકનોલોજી ક્રાંતિમાં પરિણમ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd