• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

દિવાળી ભેટ : કેન્દ્રીય કર્મીઓના ડીએમાં વધારો

નવી દિલ્હી, તા. 28 : કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં સરકારે બુધવારે મોંઘવારી ભથ્થાં (ડીએ)માં ત્રણ ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણયથી કેન્દ્રના 48 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શનર મળીને કુલ 1.16 કરોડ કર્મીને લાભ થશે. વધેલું ડીએ પહેલી જુલાઇ-2026થી લાગુ થશે. મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકાનો વધારો આપવા માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળની જોગવાઇ કરી છે તેવું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. આજની તારીખે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 60 ટકા છે, જે હવે વધીને 63 ટકા થઇ જશે, જેના પગલે દરમહિને મળતા પગારની રકમમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળ (કેબિનેટ)ની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. ડીએ વધારો જુલાઇથી જ લાગુ થવાનો હોવાથી જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એરિયર્સ પણ ઓક્ટોબરમાં મળનારા પગાર અને પેન્શન સાથે ચૂકવી દેવાય તેવી શક્યતા છે. મતલબ એ થયો કે, ઓક્ટોબરમાં વધેલા ડીએ સાથે પગાર, પેન્શનની સાથોસાથ જૂના ત્રણ મહિનાનો વધારો દિવાળી પહેલાં એકસાથે મળી જશે. સાતમા પગારપંચની ભલામણોના આધારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે.ખાસ ઉલ્લેખનીય છે કે, આઠમા પગારપંચની રચના વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં નવા ડીએ વધારાના સંબંધમાં ચિંતાઓ હતી. કેન્દ્ર સરકાર મોંઘવારીની અસરને ઓછી કરવાના હેતુ સાથે દરવર્ષે બેવાર જાન્યુઆરી અને જુલાઇમાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરતી હોય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd