નવી દિલ્હી, તા. 17 : રશિયા પાસેથી
ઓઈલની ખરીદીના વાંકે અને બહાને 100 ટકા ટેરિફ
નાખવાની હિમાકતનાં કારણે ભારત અને અમેરિકા વચ્ચે તનાવ પેદા થઈ ગયો છે. એકબાજુ ભારત
તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, આનાથી દ્વિપક્ષી સંબંધો ઉપર અસર પડી શકે છે, તો અમેરિકાના
નેતાઓ ભારત અને ચીનને વલણ સુધારવાની વણમાગી સલાહો આપતા દેખાવા લાગ્યા છે. અમેરિકામાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ નાખવાની તાકાત મળી
ગઈ છે, ત્યારે ભારતે તેની સામે જવાબ પણ આપી દીધો છે.
બીજીબાજુ ચીન તરફથી હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવમાં નથી આવી. અમેરિકાનાં આ 100 ટકા ટેરિફવાળા વિધેયકને લિંડસે
ઓ ગ્રાહમ સેંક્શનિંગ રૂસ એન્ડ ઈરાન એક્ટ નામ અપાયેલું છે. અમેરિકી સેનેટર રિચર્ડ બ્લૂમેંથલે
ભારત અને ચીનને રશિયા સિવાય અન્ય કોઈ સ્રોતમાંથી ઓઈલ ખરીદવાની સલાહ આપી હતી. તેમણે
કહ્યું હતું કે, ભારત અને ચીને પોતાનો અભિગમ
સુધારવો જોઈએ. આ પહેલાં પણ પીટર નવારો સહિત ટ્રમ્પના અનેક નજીકના લોકોએ પણ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા મુદ્દે
ભારત ઉપર નિશાન સાધ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિને 100 ટકા લાદવાનો અધિકાર આપતા આ
ખરડા વિશે ભારતે બે વાત સ્પષ્ટ કરી દીધી છે, જેમાં સૌપ્રથમ તો ભારત પોતાની જરૂરિયાતોને સૌથી ઉપર રાખશે અને સાથોસાથ ચેતવણી
પણ આપી દીધી છે કે, આનાથી હવે દ્વિપક્ષીય સંબંધો પણ પ્રભાવિત
થઈ શકે છે. ભારતે અમેરિકાને સ્પષ્ટ કહ્યું છે કે, આની અસર માત્ર
પરસ્પર સંબંધો ઉપર જ નહીં બલ્કે વૈશ્વિક ઊર્જા બજાર ઉપર પણ થઈ શકે છે.