અયોધ્યા, તા. 10 : રામ મંદિર ચડાવાચોરીના બહુચર્ચિત
પ્રકરણમાં આરોપોથી ઘેરાયેલા ચંપત રાય ફરીવાર મંદિર ટ્રસ્ટના મહામંત્રી બનવાની દોડમાં છે. વિશ્વ હિન્દુ પરિષદે
રાયને ક્લીનચીટ આપી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. વિહિપની ક્લીનચીટ મળ્યાના બીજા
જ દિવસે અયોધ્યામાં ચંપત રાયના સમર્થનમાં સંતોની બેઠક થઈ હતી. મણિરામદાસ છાવણીમાં થયેલી
આ બેઠકમાં અનેક પ્રમુખ સંતોએ ચંપત રાયને બેદાગ બતાવતાં બીજીવાર મહામંત્રી બનાવવાની
માંગ કરી હતી. મોટાભાગના સંતોએ સમર્થન આપ્યું હતું. ત્યારપછીથી સતત સંતોના સંપર્કમાં
રહેતા રાય રામ મંદિરની વ્યવસ્થા પર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. રામમંદિર ધાર્મિક સમિતિના
સભ્ય સ્વામી રાજકુમાર દાસે જણાવ્યું હતું કે, સંત સમાજની નજરમાં ચંપત રાય નિર્દોષ છે. તમામ તપાસોમાં દોષમુક્ત સાબિત થાય
તો તેમને ફરી મહામંત્રી બનાવવા સ્વાગત યોગ્ય રહેશે. તેનાથી રામમંદિરની વ્યવસ્થા અને
સનાતન સમાજના હિતમાં કામ થશે તેવું તેમણે કહ્યું હતું. સ્વામી રાજકુમાર દાસે જણાવ્યું
હતું કે, ચંપત રાયે રામમંદિર આંદોલન અને નિર્માણમાં ઘણું યોગદાન
આપ્યું છે. એ જોતાં તેમને સન્માન મળવું જોઈએ.