• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

કોલંબિયામાં કાળમુખા ભૂકંપથી તબાહી : 69 મોત

નવી દિલ્હી, તા. 10 : દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારની સવાર બેહદ ગોઝારી ઊગી હતી. આજે સવારે સાત વાગ્યે આવેલા 7.4ની તીવ્રતાના કાળમુખા ભૂકંપનો ભોગ બનતાં કમસેકમ 69 લોકોએ જીવ ખોયા હતા. પારાવાર તબાહી મચાવતાં જનજીવનને બેઘર, બેહાલ કરી દેનાર આ ભૂકંપે અનેક ઈમારતોને ભોંય ભેગી કરી નાખી હતી અને ખરેખરો મોતનો આંકડો તો વધીને એક હજાર કે તેથી પણ ઘણો વધુ પહોંચી શકે છે તેવી ભીતિ વિનાશને જોતાં વ્યક્ત કરાઈ હતી. ભયાનક ભૂકંપથી ધરા ધ્રૂજી ઊઠતાં ધ્રાસ્કો પડયો હોય તેમ લોકો મૂઠી વાળીને ભયભેર ઘરોની બહાર દોડી ગયા હતા. મોટી સંખ્યામાં ઈમારતો કડડભૂસ થઈને જમીનદોસ્ત થઈ ગઈ હતી. ભૂકંપના આંચકા પાડોશી દેશો ઈકવાડોર અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા. કોલંબિયા દુનિયાના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. `િરંગ ઓફ ફાયર' જ્વાળામુખી ક્ષેત્રમાં સ્થિત આ દેશમાં દર વર્ષે હજારો નાના-મોટા ભૂકંપ આવે છે. કોલંબિયાના ચોકો વિભાગમાં સેનજોસ ડેલ પાલમર નજીક પાંચ કિલોમીટર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું અને લગભગ 107 કિલોમીટર જેટલી ભારે ઊંડાઈએથી આવ્યો હતો. જેના કારણે પારાવાર વિનાશ વેરાયો હતો. દુનિયાભરના મીડિયા જગતથી માંડીને સોશિયલ મીડિયા પર ધીમે ધીમે વિનાશનો અંદાજ આપતી તસવીરો આવવા માંડી હતી. ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો દબાયા હોવાથી હજુ મરણાંક ઘણો વધવાની ભીતિ છે. પોતાના ઘરો અને સ્વજનોને ખોનારા લોકોના કલ્પાંતથી ચોમેર ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. બચાવ રાહત અભિયાન યુદ્ધના ધોરણે છેડાયું હતું. દેશભરના અનેક એરપોર્ટ્સને નુકસાન થતાં હવાઈ સેવાઓ ખોરવાઈ હતી. હજારોની સંખ્યામાં યાત્રીઓ પરેશાન થયા હતા.

Panchang

dd