રાંચી, તા. 10 : પરીક્ષા લેનાર સરકારની પરીક્ષા
લઇ નાખતાં સોમવારે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી છાત્રો પોલીસે ગોઠવેલી બેરિકેડની
આડશોને તોડીને ઝારખંડ વિધાનસભાના દ્વાર પાસે પહોંચી ગયા હતા. દિલ્હીમાં કોકરોચ જનતા
પાર્ટી (સીજેપી)ના છાત્ર આંદોલન કરતાં પણ રાંચીમાં પરીક્ષાલક્ષી કૌભાંડ સામે મેદાને
પડેલા છાત્રોનું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. પોલીસ દ્વારા લાઠીચાર્જ બાદ છાત્ર
નેતાઓએ કહ્યું હતું કે, હવે કોઇ મંત્રી
સાથે વાત નહીં થાય. વાત થશે તો સીધી મુખ્યમંત્રી સાથે થશે. આ આંદોલનકારી છાત્રોનું
નેતૃત્વ કરતા છાત્ર નેતા રવીન્દ્ર પાસવાને કહ્યું હતું કે, શાંતિપૂર્ણ
આંદોલન કરતા છાત્રો પર સરકારની પોલીસે લાઠીઓ વરસાવી છે. લાઠાચાર્જથી એક છાત્રા બેહોશ
થઇ ગઇ હતી. બીજીતરફ, બેકાબૂ બનેલી આક્રોશની આગને ઠારવાના પ્રયાસરૂપે
મુખ્યમંત્રી હેમંત સોરેને એવી ધરપત આપી હતી કે, છાત્રોના અવાજની
અવગણના નહીં કરાય. સોરેન સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાનો મિજાજ બતાવતાં નારેબાજી
કરી રહેલા દેખાવકાર છાત્રોને વિધાનસભા ગેટ પરથી હટાવવાની કોશિશ પોલીસે કરી હતી,
પરંતુ મચક પણ નહીં આપતાં લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવાયો હતો. પોલીસે
આજે બે-ત્રણવાર લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક છાત્રોનાં માથાંમાં ઇજાઓ પણ થઇ હતી. પોલીસ
અને છાત્રો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પાણીની બોટલો અને
ચંપલો ફેંકી હતી. છાત્રોની વિધાનસભા ભણી કૂચમાં સામેલ થવા એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરમાં
લવાયેલા છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોની તબિયત બગડતાં પોલીસ, પ્રશાસને તરત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દરમ્યાન, સીઆઈડી
દ્વારા ઝારખંડ જાહેર સેવા આયોગ (જેપીએસસી)ના પૂર્વ અધ્યક્ષ એલ. ખ્યાંગતેની ધરપકડ કરાઈ
હતી. જેપીએસસી કચેરી પર દરોડા બાદ 21મી જુલાઈના જ તેમણે રાજીનામું આપી દીધું હતું. છેલ્લા 17 દિવસથી આંદોલન કરી રહેલા છાત્રો
પર પોલીસે પાણીનો મારી કર્યો ત્યારે પ્રદર્શનકારી છાત્રો બેરેકેડિંગ પર ચડીને ડાન્સ
કરવા લાગ્યા હતા. કેટલાક છાત્રોએ રાષ્ટ્રગાન ગાયું હતું. પ્રદર્શનકારી છાત્રો પાણીનો
મારો, લાડીચાર્જ સહિત પોલીસ પગલાંઓ સામે પણ સામા પૂરે
તરતા હોય તેમ મક્કમ રીતે હજારોની સંખ્યામાં વિધાનસભા તરફ આગળ વધ્યા હતા અને જ્યાંથી
મુખ્યમંત્રીની આવ-જા થાય છે તે વિધાનસભાના ગેટ સુધી પહોંચી ગયા હતા. ઝારખંડમાં ગરબડનો
આરોપ મૂકી પરીક્ષાઓ રદ કરવાની માંગ સાથે છેલ્લા 17 દિવસથી છાત્રો દ્વારા જારી
આંદોલન આજે પરાકાષ્ઠા પર પહોંચ્યું હતું. વિધાનસભાને ઘેરાવમાં સામેલ થયેલા છાત્ર નેતા
દેવેન્દ્રનાથ મહતો સહિત કુલ છ દેખાવકાર છાત્ર ભૂખ હડતાળ પર છે. પ્રદર્શનમાં સામેલ કેટલીક
છાત્રાઓમાંથી એક છાત્રાએ આરોપ મૂકયો હતો કે, પોલીસ પગલાંથી ભાગદોડ મચી ત્યારે પોલીસે મને એટલો જોરથી ધક્કો આપ્યો કે,
મારા પગમાં ઈજા આવી હતી.