નવી દિલ્હી, તા. 11 : વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 11મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન
મોદીએ કહ્યું હતું કે આજે આખી દુનિયા અસ્થિરતા અને અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહી
છે ત્યારે પણ ભારત પુરા આત્મવિશ્વાસ અને અડગ ઈરાદા સાથે વિકાસની રાહ ઉપર આગળ વધી રહ્યું
છે.પીએમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેમ જેમ વિકસિત ભારતના સપના તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ કેન્દ્ર અને તમામ
રાજ્યોની સામૂહિક જવાબદારી પણ વધે છે. પીએમ
મોદીએ કહ્યું હતું કે ભારત પાસે વર્તમાન સમયે યુવાનોની મોટી વસ્તી છે. આ એક એવો ઐતિહાસિક
અવસર છે. જેને કોઈપણ કિંમતે ગુમાવી શકાય નહી. આ માટે પ્રાથમિકતા યુવાનોને સારા શિક્ષણ,
બજારની માગના હિસાબે હુન્નર અને રોજગારના નવા અવસર આપવાની હોવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે મજબૂત અને સક્ષમ યુવાનો જ વિકસિત ભારતની સફરની સૌથી મોટી શક્તિ બનશે. વેપારને
પ્રોત્સાહન અંગે વાત કરતા મોદીએ આગળ કહ્યું હતું કે, ભારતે દુનિયાના
ઘણા દેશો સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી છે. જેનાથી ભારતીય સામાનની નિકાસના નવા માર્ગો
ખુલ્યા છે. આ સમજૂતીઓ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મોટી તક છે. હવે તેઓએ આંતરરાષ્ટ્રીય
માપદંડોને અપનાવીને વૈશ્વિક બજારો સુધી પોતાને તૈયાર કરવા પડશે. બેઠકમાં પીએમ મોદીએ
મહિલા નેતૃત્વની વાત ઉપર પણ ભાર મુકયો હતો અને કહ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે મહિલાઓનો વિકાસ અને ભાગીદારી સૌથી મજબૂત
સ્તંભ છે. ખેતી, સ્ટાર્ટઅપ, વિજ્ઞાન અને
સંશોધન સુધીના દરેક ક્ષેત્રમાં દેશની મહિલાઓ પોતાનું મોટું યોગદાન આપી રહી છે.