અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ડીજીપી
જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ તંત્રને લઈને મોટો અને પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.
જે અનુસાર હવે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી નિકાલ
થાય તે માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવા આદેશ અનુસાર, રાજ્યના પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના
પીઆઈ (પીઆઇ) સુધીના તમામ ઉચ્ચ અધિકારીઓએ દરરોજ 2 કલાકનો સમય માત્રને માત્ર સામાન્ય નાગરિકો
અને મુલાકાતીઓ માટે ફાળવવો પડશે. અરજદારોને પોતાની નાની-નાની ફરિયાદો માટે ગાંધીનગર
વડી કચેરી સુધી લાંબા ન થવું પડે તે હેતુથી આ મહત્વપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આદેશની વિગતો મુજબ, સમયપત્રક પણ
નક્કી કરી દેવાયું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દરરોજ સવારે 12 થી 2 વાગ્યા સુધી મુલાકાતીઓને સાંભળશે, જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ (પીઆઇ) અને થાણા
અમલદારો સાંજે 4 થી 6 વાગ્યા સુધી ફરજિયાતપણે પોલીસ સ્ટેશનમાં
હાજર રહીને લોકોની રજૂઆતો સાંભળશે. આ ઉપરાંત, અરજીઓના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા (ટાઈમલાઈન) નક્કી કરાઈ છે; સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવાનો રહેશે,
જ્યારે આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદ અને ભ્રષ્ટાચાર
સંબંધિત જાટિલ અરજીઓનો વધુમાં વધુ 6 અઠવાડિયામાં નિરાકરણ લાવવાનો આદેશ અપાયો છે. રાજ્ય પોલીસ વડાએ
સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બનતો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક એફઆઈઆર
નોંધવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે દરેક પોલીસ કચેરી અને સ્ટેશનમાં
અરજદારોની નામ-સરનામા સાથેની વિગતો નોંધવા માટે એક વિશેષ રજિસ્ટર નિભાવવાનું રહેશે.