નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ મંત્રીઓને 15 ડિસેમ્બરથી
પહેલાં સંસદના આગામી સત્રની તૈયારીઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું. મોદીએ સંસદના શિયાળુ
સત્રથી પહેલાં મંત્રીઓને વિદેશ યાત્રાઓથી બચવાની
સલાહ પણ આપી હતી. કેબિનેટ બેઠકમાં સંસદના શિયાળુ સત્ર પર વડાપ્રધાને સાથી મંત્રીઓની સાથે ચર્ચા કરી
હતી. અહેવાલ અનુસાર મોદીએ કહ્યું હતું કે, શિયાળુ
સત્ર 15મી ડિસેમ્બરથી પહેલાં બોલાવી લેવાય તેવી
તૈયારીઓ સૌએ સાથે મળીને કરવાની રહેશે. જો કે, તેની તારીખ અને સત્રનો સમયગાળો સંસદીય
બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાશે. શિયાળુ સત્રમાં મોદી સરકાર સીમાંકન વિધેયક પણ લાવી શકે
છે. લોકસભામાં 543 સાંસદ છે.
ત્રણ બેઠક ખાલી છે. એનડીએ પાસે 318 સાંસદ છે.
વિધેયક પસાર કરાવવા માટે બે તૃતિયાંશ સંખ્યાબળ જોઇએ. મતલબ કે 360 સાંસદના મત તરફેણમાં હોવા જરૂરી
છે. હવે જો દ્રમુકના 22 સાંસદ વિધેયકનું
સમર્થન કરે છે તો ખરડાના સમર્થનમાં 340 સાંસદ થઇ જશે. મતલબ કે ત્યાર પછી પણ સત્તારૂઢ ભાજપને લગભગ 20 સાંસદના સમર્થનની જરૂર સીમાંકન
વિધેયક પસાર કરાવવા માટે પડશે. એ જ રીતે રાજ્યસભામાં 245 બેઠક છે, જેમાંથી ત્રણ ખાલી છે. એનડીએના 153 સાંસદ છે. રાજ્યસભામાં સીમાંકન
ખરડો પસાર કરાવવા માટે 162 સાંસદ જરૂરી
છે. મતલબ કે અહીં પણ શાસક પક્ષ જોડાણને હજુ નવ સાંસદના સમર્થનની જરૂર પડશે. અહેવાલો
એવા પણ મળી રહ્યા છે કે, સંસદના શિયાળુ
સત્ર દરમ્યાન યેનેકન પ્રકારે સીમાંકન વિધેયકની કસોટીમાં પાર પડવાના તમામ પ્રયાસોરૂપે
સત્તારૂઢ એનડીએ જોડાણ દ્રમુક તેમજ અન્ય અપક્ષ સાંસદો તરફથી પણ આ ખરડો પસાર કરવા માટે
સમર્થન મળે તેવા હેતુ સાથે સતત વાટાઘાટોનો દોર જારી રાખી રહ્યું છે.