મુંબઇ, તા. 25 : વિક્રમી હદે વધેલા વિદેશી રોકાણ
સાથે ક્રૂડતેલની નીચી ગયેલી કિંમતો તેમજ બ્લૂચિપ બેન્ક શેરોમાં લેવાલી જેવા સ્થાનિક
અને વૈશ્વિક પરિબળોનાં કારણે બુધવારે ભારતીય શેરબજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં
1502.29 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, તો નિફટી પણ 470 આંક વધ્યો હતો. બજારનો 30 શેર આધારિત આંક બુધવારે દોઢ
હજાર પોઇન્ટના ઉછાળા સાથે 83,938 પર
બંધ થયો હતો. બીજીતરફ નિફટી 25,819 પર
પહોંચી ગયો હતો. આજે ફાર્મા, આઇટી,
ઓટો, ખાનગી બેન્કો, તેલ અને
ગેસ કંપનીઓના શેરોમાં સૌથી વધારે ખરીદી જોવા મળી હતી. હિન્દુસ્તાન યુનિ લિવર,
ટ્રેંટ, ઇન્ફોસીસ, આઇસીઆઇસીઆઇ
બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડિગો,
બજાજ ફાયનાન્સના શેરોમાં છ ટકા સુધી વધારો આવ્યો હતો. અહેવાલો અનુસાર
ચાલુ વર્ષે પહેલા નવ મહિનામાં 15 ટકા સુધી ગગડયા પછી આજ સુધીમાં માત્ર દોઢ ટકા નીચે રહીને સેન્સેક્સે
મોટાભાગના ઘટાડાની ભરપાઇ કરી લીધી છે. આ તેજીમાં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલી ખરીદીનું
પણ મોટું યોગદાન રહ્યું છે. વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં
વિક્રમી 1.32 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
છે. દરમ્યાન, આજે ડોલરની તુલનાએ રૂપિયો
23 પૈસા મજબૂત થઇને 92.62 પ્રતિ ડોલર પર પહોંચ્યો હતો.