નવી દિલ્હી, તા. 25 : ઓપરેશન સિંદૂરને
લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીન ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની જાસૂસી કરી
રહ્યું હતું. રિપોર્ટ અનુસાર ગયાં વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનના ત્રણ
જાસૂસી ઉપગ્રહોએ ગુજરાતના સૈન્ય બેઝ ઉપર બારીકાઈથી નજર રાખી હતી. બેંગ્લોર સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની ડિજાંતરાનાં
વિશ્લેષણ અનુસાર ચીનના ઉપગ્રહ ભૂજ, નલિયા અને જામનગર ઉપર નજર
રાખી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નિંગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગન-30 નામના ઉપગ્રહ 10 અને 11 મેના રોજ આ ક્ષેત્ર ઉપર નજર
જમામી રહ્યા હતા જ્યારે મુખ્ય લડાઈ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં થઈ રહી હતી. આ ઉપગ્રહોની સર્વેલન્સ રેન્જમાં મહત્ત્વના સૈન્ય
બેઝ, પોર્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જામનગર રિફાઇનરસ
કોમ્પ્લેક્સ સામેલ હતું. રિપોર્ટ અનુસાર યાઓગન-43 જેવા ઉપગ્રહોએ સાતમી મેના ઓપરેશન
સિંદૂર દરમિયાન પોતાની કક્ષામાં ફેરફાર કર્યો હોત. જેનાથી ભારતીય સૈન્ય બેઝ ઉપર લાંબો
સમય નજર રાખવી સંભવ બની હતી. ભૂજ અને નલિયામાં ભારતીય વાયુસેનાના મહત્ત્વપૂર્ણ બેઝ છે. જ્યારે રાજ્યના પશ્ચિમી તટીય વિસ્તારમાં
આઇએનએસ સરદાર પટેલ અને આઇએનએસ દ્વારકા જેવી નૌસૈનિક સુવિધા પણ છે. આ ઉપરાંત અન્ય એક
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પહલગામ આતંકી હુમલાના અમુક દિવસ પહેલાં પણ ચીની
અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહોએ અસામાન્ય ગતિવિધિ કરી હતી.