ધોરડો, તા. 25 : ધોરડો ટેન્ટ સિટીમાં આવેલા
જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજિત દોસાંઝે નિરોણા ગામની આશરે 400 વર્ષ જૂની પરંપરાગત હસ્તકલા
`રોગાન આર્ટ' નિહાળી હતી. આ અનોખી કળાની સુંદરતા અને કલાત્મકતા
જોઈ તેઓ પ્રભાવિત થયા હતા અને તેમણે રોગાન આર્ટની પ્રશંસા કરી હતી. તેમણે રોગાન આર્ટના
કારીગર અબ્દુલહમીદ ખત્રી અને સાહિલ ખત્રી તેમજ યુવા કલાકારો સુફિયાન ખત્રી અને સુલેમાન
ખત્રી સાથે મુલાકાત કરી હતી. કલાકારોએ તેમને રોગાન આર્ટની વિશેષતા, તેની બનાવટની પરંપરાગત પદ્ધતિ અને આ કળાના ઐતિહાસિક મહત્ત્વ વિશે માહિતી આપી
હતી. રોગાન આર્ટની બારીક અને કલાત્મક પ્રક્રિયા જોઈ દિલજિત દોસાંઝ આશ્ચર્યચકિત થઈ ગયા
હતા. તેમણે અમૂલ્ય વારસાગત કળાને આગળ વધારવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે કલાકારોને
શુભેચ્છા આપી હતી. મુલાકાત દરમિયાન રોગાન આર્ટ પરિવારે દિલજિત દોસાંઝને રોગાન આર્ટની
સૌથી લોકપ્રિય અને વિશ્વવિખ્યાત ડિઝાઇન `ટ્રી ઓફ લાઈફ'ની સુંદર કૃતિ ભેટરૂપે અર્પણ કરી હતી. નિરોણા ગામમાં આશરે 400 વર્ષથી રોગાન આર્ટની પરંપરા
જળવાઈ રહી છે. આઠ પેઢીથી પદ્મશ્રી અબ્દુલગફુર ખત્રી અને તેમનો પરિવાર આ અનોખી કળાને
જીવંત રાખવા અને દેશ-વિદેશમાં તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. દિલજિત
દોસાંઝ જેવા જાણીતા કલાકાર દ્વારા આ કળાની પ્રશંસા થવી એ નિરોણા ગામ અને સમગ્ર રોગાન
આર્ટ પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે.