• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

કચ્છના સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે `શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર'ના વિજેતા જાહેર

મુંબઈ, તા. 25 : કચ્છના સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત કચ્છી વિશા ઓસવાળ સેવા સમાજ સંચાલિત `શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર' સમિતિ દ્વારા વર્ષ 2025ના સાહિત્ય-કલા પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કચ્છી ભાષા, સાહિત્ય, શિક્ષણ, ફોટોગ્રાફી, ચિત્રકલા અને સંગીતક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પાંચ પ્રતિભાની આ પુરસ્કારો માટે પસંદગી કરવામાં આવી છે.  આ પુરસ્કારોમાં કચ્છી-ગુજરાતી  ભાષાની આજીવન સેવા માટે ભારતીબેન ગોર (માંડવી)ની પસંદગી કરવામાં આવી છે.  બાળ સાહિત્ય ક્ષેત્રે તેમના લેખન, વાર્તાઓ, બાળ નાટકો માટે આપેલા નોંધપાત્ર યોગદાનની કદરરૂપે તેમને આ સન્માન અર્પણ કરવામાં આવશે. બાળ સાહિત્ય પ્રત્યેની તેમની નિષ્ઠાપૂર્ણ સેવાઓને આ પુરસ્કાર દ્વારા બિરદાવવામાં આવશે. વર્ષ 2025ના કચ્છી ભાષામાં ગદ્યના ઉત્તમ પુસ્તક માટે શિવજી આર. મોઢ `િશવ' (રવા / હાલ માધાપર, કચ્છ)ને તેમના કચ્છી નિબંધસંગ્રહ `હેમારો' માટે સાહિત્ય પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. કચ્છી ભાષાની અભિવ્યક્તિ અને સાહિત્યિક સમૃદ્ધિને ઉજાગર કરતી આ કૃતિ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2025ના કચ્છી ભાષામાં પદ્યના ઉત્તમ પુસ્તક માટે મનીષા અજય વીરા `મન' (સાડાઉ, કચ્છ/હાલ બોરિવલી, મુંબઈ)ને તેમના કચ્છી કાવ્ય સંગ્રહ `મનચમન' માટે સાહિત્ય પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ચિત્રકલા ક્ષેત્રે આજીવન યોગદાન માટે પુષ્પાબેન કાંતિલાલ શાહ (રામાણિયા, કચ્છ /હાલ અમદાવાદ)ને કલા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. પુષ્પાબેન સ્વયંસિદ્ધ ચિત્રકાર છે. કોઈ ઔપચારિક તાલીમ વિના તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી છે. પ્રાચીન હવેલીઓ, કોતરણીવાળા દરવાજા, જૂનાં તાળાં, પરંપરાગત વાસણો અને વિસરાતી લોકસંસ્કૃતિને તેઓ પોતાનાં ચિત્રોમાં જીવંત કરે છે. વર્ષ 2012થી વિવિધ કલા પ્રદર્શનોમાં ભાગ લેનાર પુષ્પાબેનની કૃતિઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધાઓમાં સ્થાન મળ્યું છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના પ્રદર્શનમાં તેમની ભાગીદારી ઉપરાંત વર્ષ 2023ની રાજ્યસ્તરીય `શબ્દરંગ' ચિત્રસ્પર્ધામાં તેમની કૃતિ શ્રેષ્ઠ નવ કૃતિઓમાં પસંદ થઈ હતી. સંગીતકલા ક્ષેત્રે સેવા માટે ગાયક નિર્મલ ઠક્કર (કોઠારા, કચ્છ/ હાલ મુલુંડ, મુંબઈ)ને કલા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ગાયનકળા પ્રત્યેની તેમની નિષ્ઠા, કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારી અને સંગીતક્ષેત્રે આપેલા યોગદાન બદલ તેમની પસંદગી કરવામાં આવી છે. સંગીત ઉપરાંત તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. કચ્છની સાહિત્યિક અને કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી યોજાતા આ પુરસ્કારો દ્વારા કચ્છી ભાષા, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વારસાના જતન તથા સંવર્ધનમાં યોગદાન આપનાર સર્જકો અને કલાકારોને સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કાર ચયન સમિતિમાં ડો. વિશન નાગડા, લક્ષ્મીચંદ ગોગરી અને સંજય છેડાએ સેવા પ્રદાન કરી હતી. પુરસ્કાર વિતરણ સમારોહ શનિવાર, તા. 26 ડિસેમ્બર 2026ના સાંજે 4.00 કલાકે, બી. એન. વૈદ્ય સભાગૃહ (રાજા શિવાજી વિદ્યા સંકુલ), હિંદુ કોલોની, દાદર (પૂર્વ), મુંબઈ - 400014 ખાતે યોજાશે. કાર્યક્રમમાં કચ્છી સાહિત્યપ્રેમીઓ, કલાકારો, સમાજના અગ્રણીઓ તથા કલા - સંસ્કૃતિના ચાહકોને ઉપસ્થિત રહેવા કચ્છી વિશા ઓસવાળ સેવા સમાજ અને પુરસ્કાર  સમિતિ દ્વારા જણાવાયું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd