• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

માખેલમાં અકસ્માતે દાઝેલી આધેડ મહિલાનું સારવારમાં મોત

ગાંધીધામ/ભુજ, તા. 25 : રાપરના માખેલમાં અકસ્માતે દાઝી જતાં અનુ.જાતિના મણિબેન દેવશીભાઈ (ઉ.વ. 54)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે નખત્રાણાના તરા (મંજલ)નો 39 વર્ષીય યુવાન જગદીશ હીરજી મહેશ્વરી મોટા રાણારાની વાડી પર પડી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં ત્યાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે આવી જ રીતે મુંદરામાં રૂમમાં પડી ગયેલા 59 વર્ષીય પ્રૌઢ મહાદેવ અબાની મંડલનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. રાપર તાલુકાના માખેલમાં રહેનાર મણિબેન નામના આધેડ વયના મહિલા ગત તા. 22/11ના બપોરના અરસામાં પોતાના ઘરે હતા. તે સાદા ચૂલા ઉપર ચા બનાવી રહ્યા હતા તેવામાં અકસ્માતે તેમણે પહેરેલા કપડાંમાં આગ લાગતાં આ મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ગત તા. 23/11ના રાત્રિના ભાગે ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. નખત્રાણાના તરા (મંજલ) ખાતે રહેતો જગદીશ મહેશ્વરી  ગઈકાલે રાતે રાણારા મોટા ખાતે હિતેશભાઈ કરશનભાઈની વાડી પર અચાનક પડી જતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે. આ ઉપરાંત મુંદરાના શક્તિનગરમાં રહેતા મહાદેવ મંડલ ગત તા. 22/11ના પોતાના રૂમ પર અચાનક પડી જતાં તેને સારવાર અર્થે ભુજની આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ બે-ત્રણ દિવસની સારવાર કારગત ન નીવડતાં તેનું આજે સારવાર દરમ્યાન મોત નીપજતાં પોસ્ટમોર્ટમ અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ લાવ્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd