• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ગઢશીશા વિસ્તારમાં ડી.એમ.એફ.ની કોઇ સહાય મળી નહીં

જિગ્નેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 22 : થોડા વર્ષો પહેલા સરકારનો એક નિયમ આવ્યો છે કે જે વિસ્તારમાં ખનિજ ખનન થતું હોય તે વિસ્તારના વિવિધ વિકાસ તથા પ્રજાલક્ષી કાર્ય માટે ખનિજની રોયલ્ટીની આવકનો અમુક હિસ્સો ઉપયોગ લેવો જોઇએ પણ ગઢશીશા વિસ્તારમાં હજુ સુધી તેનો ઉપયોગ થયો નથી. આ નિયમ એટલે ડી.એમ. એફ. (ડિસ્ટ્રીક મીનરલ ફાઉન્ડેશન)માં જે વિસ્તારમાં ખનિજ ખનન થાય છે તેની રોયલી સરકાર દ્વારા વસુલવામાં આવે છે અને તે ફંડનો અમુક હિસ્સો આ વિસ્તારના વિવિધ વિકાસ કાર્યમાં ઉપયોગ લેવો જોઇએ.

વ્યાપક ઉત્ખનન

અત્રે ખાસ ઉલ્લેખ કરવો રહ્યો ગઢશીશા પંથકના શેરડી, હમલા, વાંઢા, કોજાચોરા, નાગ્રેચા, કોટડી મહાદેવપુરી, કોટડા-રોહા, નાન્દ્રા, રોહા, ગોણીયાસર વિગેરે વિસ્તારમાં અમૂલ્ય અને અલભ્ય બેન્ટોલાઇટ અને બોક્સાઇટની અસંખ્ય ખાણ આવેલી છે અને તેમાં બેન્ટોનાઇટનું ખનન મુખ્યત્વે વ્યક્તિગત રીતે કે લિમિટેડ કંપની દ્વારા કરાય છે તો બોકસાઇટનું ખનન જી.એમ.ડી.સી. દ્વારા થઇ રહ્યું છે જેની માસાંતે કે વર્ષે રોયલ્ટીની આવક કદાચ કરોડો રૂપિયામાં થતી હશે. પણ ગઢશીશામાં ગ્રાન્ટ નહીં ફાળવાતા કચવાટ ફેલાયો છે.

વિકાસ માટે સહાય નહીં

પરંતુ લોકોની અજ્ઞાનતા અને નબળા નેતાગીરી તથા તંત્રની ઉદાસીનતાના કારણે પંથક કે તાલુકામાં સરકારમાં થતી જમા રોયલટીનો અમુક હિસ્સો જે વિકાસ કાર્ય માટે વાપરવામાં આવતો હોય તેની એક પણ પાઇ આ પંથકને નશીબ નથી થતી. ખરેખર દુ:ખની વાત છે કે આટલા વિપુલ માત્રામાં દરરોજ ખનિજનું ખનન થાય તેના બદલામાં `ઠેંગો' બતાવવામાં આવે છે. તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યુ હતું.

જી.એમ.ડી.સી. પણ પાછળ

અત્રે ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે દાયકાઓ પૂર્વે પૂર્વ મુખ્ય મંત્રી સ્વ. ચીમનભાઇ પટેલના હસ્તે જી.એમ.ડી.સી. દ્વારા અહિં કેલ્સીનેશન બોકસાઇટ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરાયું હતું. પરંતુ સતત ને સતત વિવાદમાં રહેલા આ પકલ્પનું સંચાલન અવાર-નવાર ખાનગી કંપનીને સોંપાયું પરંતુ કયારેય ધારી સફળતા મળી અને અંતે અહિંથી આ પ્રકલ્પની તમામ મશીનરી ખાનગી કંપનીને વેંચી દેવાઇ હતી અત્યારે કરોડોની જમીન પર માત્ર ખાણમાંથી ખનન થતા બોકસાઇટના વહીવટનું કાર્ય થાય છે પરંતુ અન્ય ખનિજ ખનન તો ચાલુ જ છે પરંતુ તેના બદલામાં જી.એમ. ડી.સી. દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા કે વિકાસ કાર્યમાં ફંડ આપવા સતત પાછળ જ રહ્યું છે. આ બાબતે પણ આ વિસ્તારમાં નારાજગી ફેલાઇ છે. તો અમુક કર્મચારીઓને દાયકા સુધી નોકરી કરવા છતા કાયમી નથી કરાયા ખરેખર આના પાછળનો ઉદેશ પણ નથી જાણી શકાતો તેવું જણાવાયું હતું. સમગ્ર પંથક (ગઢશીશા પંથક તથા ખનિજ ધરાવતા ગામડાઓ) અને તાલુકામાં જો ડી.એમ.એફ. કુંનો ઉપયોગ પારદર્શક રીતે અને ન્યાયીક રીતે થાય તો જળ સંચય, શિક્ષણ, આરોગ્ય કે અન્ય ક્ષેત્રે આખા તાલુકાના વિકાસથી આકર્ષક બની શકે તો ધાર્મિક સ્થળોમાં પણ આ ગ્રાન્ટ વાપરી શકાય તેવી માંગણી ઉઠી હતી.

Panchang

dd