ભુજ, તા. 19 : સીમા સુરક્ષા દળની સ્થાપનાની
60મી વર્ષગાંઠ નિમિત્તે સરહદી જિલ્લા કચ્છમાં
પહેલીવાર ઉજવણી થવાની છે, જેમાં ભાગ
લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે
કચ્છ આવી પહોંચશે અને રાત્રિ રોકાણ ભુજમાં કરશે. બે દિવસ ગુજરાતના પ્રવાસે આવનારા ગૃહમંત્રી
અમિત શાહ ગુરુવારે બપોરે ભાવનગર પહોંચશે, જ્યાં ભાજપના પ્રદેશ
પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ભાજપના કાર્યાલયના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.ત્યારબાદ
ગૃહમંત્રી શ્રી શાહ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ પહોંચશે, જ્યાં 21 નવેમ્બરે
બીએસએફના હીરક જયંતી સમારોહમાં ભાગ લેશે. ભુજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બીએસએફની
176 બટાલિયન દ્વારા પરેડ પણ યોજાવાની
છે. તે દરમિયાન શ્રી શાહની અધ્યક્ષતામાં બીએસએફના સ્થાપના દિવસની ઉજવણી થશે. બીએસએફ
દિવસની ઉજવણી પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પ્રવાસે જશે, જ્યાં નિર્માણ પામેલા ભાજપના કમલમ કાર્યાલયના
ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.