• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર બનાવાશે

ભુજ, તા. 19 : વાંઢિયા સહિત કચ્છના ખેડૂતોને સંલગ્ન પ્રશ્નોના હેતુથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઇ ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી યોગ્ય ન્યાયની અપેક્ષા સહ વિનંતી કરાઇ હતી અને જો ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે રહી ખેડૂતોના હિતમાં આંદોલન ચલાવશે તેવો સૂર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા વ્યક્ત કરાયો હતો. અગ્રણીઓ જયેશભાઇ પટેલ, ડાયાભાઇ ગજેરા, પાલભાઇ આંબલિયા, રમેશભાઇ ઓરમા, મહેશભાઇ રાજકોટિયા, હેમંતભાઇ વિરડા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, સંદીપ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં કચ્છ કલેક્ટર સમક્ષ કચ્છમાં વીજવહન કરતી કંપનીઓ દ્વારા કાયદાને નેવે મૂકીને ખેતરમાં ઊભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજપોલ કરાયા હોવા છતાં તંત્રની નિક્રિયતા સામે સવાલો કરાયા હતા.  ખેડૂત અગ્રણીઓ જયેશભાઇ પટેલ તથા પાલ આંબલિયાએ નિયમો સૂચવીને 1885નો ધ ટેલિગ્રાફ એક્ટ કાર્યરત નથી તો નોટિસ કેમ આપી શકે ? 2003ના ઇલેક્ટ્રિકસિટી એક્ટને આગળ કરી શકાય છે તો ખેડૂતોના પક્ષની કલમોના અમલ અંગે, પોલીસ પ્રોટેક્શનમાં ઓન પેપર ફાળવ્યા તેના કરતાં પાંચ ગણાથી વધુ શા માટે જેવા અનેક પ્રશ્નોની કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હતી અને આશ્વાસનભર્યા જવાબો સિવાય કશો હલ આવતો નથી તેવું ફરિયાદમાં જણાવાયું હતું. જો આ અંગે યોગ્ય ન્યાય અને જવાબ અવધિની તારીખ 24 સુધી નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર અને મજબૂત બનાવાશે તેવું જણાવાયું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે અગ્રણીઓ ભચુ આરેઠિયા, રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, યોગેશ પોકાર, ભીખુ સોલંકી, અશોક રાઠોડ, ગનીભાઇ કુંભાર, એચ. એસ. આહીર, રાણુભા જાડેજા, હુશેન રાયમા, લખમીર રબારી, હાસમ સમા, અનિલ બત્તા, વિરમ ગઢવી, હરેશ આહીર, રૂપાભાઇ રબારી, ત્રિકમભાઇ આહીર, આયશુબેન સમા, દશરથ જોષી, વિનોદભાઇ વરસાણી, સામરા ધનરાજ ગઢવી તથા વાંઢિયા, લોડાઇ, પદ્ધર, મુંદરા, લખપત, ભુજના ખેડૂત અગ્રણીઓ જોડાયા હતા. 

Panchang

dd