• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

વાગડના કોળી-ઠાકોર સમાજ દ્વારા ઓબીસી અનામતનું વિભાજન કરવા માંગ

રાપર, તા. 19 : કચ્છ વાગડના કોળી-ઠાકોર સમાજ દ્વારા ગુજરાત અનામત ઓબીસી વર્ગીકરણ સમિતિ દ્વારા ઓબીસી વર્ગીકરણની માંગને લઈ ગુજરાત પ્રદેશમાં લડત આપી રહેલા તારકભાઈ ઠાકોરની આગેવાનીમાં રાપરમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે. ગુજરાતમાં કુલ 146 સમુદાય ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે, પરંતુ માત્ર 20 જેટલા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ લાભ લે છે, જે કુલ સંખ્યાની 20 ટકાની પણ નથી. જે 80 ટકા અનામતનો લાભ લે છે. બીજી તરફ કોળી-ઠાકોર, દેવીપૂજક, રાવળ, ગૌસ્વામી, વણઝારા, ધોબી, નાઈ, મોચી જેવા 100થી વધુ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ લઈ શકતા નથી. આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમાં મૂકવું જરૂરી છે. સુપ્રીમકોર્ટના 1992ના ઇન્દ્રા સાહનીના ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે  કચ્છના કોળી, દેવીપૂજક અને પારાધિ સમાજ ઓબીસી અનામત વર્ગીકૃત થાય, તો લાખો યુવાન માટે આશાનું કિરણ બંધાય. આ  પ્રસંગે  કચ્છ જિલ્લા કોળી-ઠાકોર યુવા વિકાસ મંડળના મહામંત્રી સુરેશભાઈ મકવાણા, સહમંત્રી નાગજીભાઈ પીરાણા, ક્ષત્રિય ઠાકોર સેના રાપરના પ્રમુખ હરેશભાઈ ઠાકોર, યુવા અગ્રણી ઉમેદભાઈ મકવાણા, પ્રતાપભાઈ ઠાકોર, રાણાભાઇ ડુંગરાણી, ગિરીશભાઈ મકવાણા, દેવજીભાઈ લાલવાણી, હરેશભાઈ ઠાકોર, નાગજીભાઈ ઠાકોર, રોહિત પીપરિયા, ઈશ્વરભાઈ મકવાણા, રમેશભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આયોજન હરેશભાઈ સાલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. 

Panchang

dd