• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ એ સરદાર પટેલને સાચી અંજલિ

ગાંધીધામ, તા. 19 : અખંડ ભારતના શિલ્પી સરદાર  વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આદિપુરથી ગાંધીધામ સુધીની એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. આ વેળાએ દેશને અખંડ બનાવવા માટેના સરદારના કાર્યોને યાદ કરાયાં હતાં. ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારની આદિપુરમાં મદનસિંહ ચોક ખાતે યાત્રા પૂર્વે આયોજિત સભાને સંબોધતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ  જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલને 70 વર્ષમાં જે માન-સન્માન મળવું જોઈએ તે ન મળ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમનું નિર્માણ કરીને તેમનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા  સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરીને સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોવાનું ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સાચા અર્થમાં સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત, તો આજે જે વિકટ સમસ્યાઓ સર્જાઈ છે, તે ન હોત અને જુદી જ પરિસ્થિતિ સર્જાઈ હોત.  વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન 2027માં જ પૂર્ણ થઈ ગયું હોત તેવું કહ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં  અમૂલ્ય યોગદાન આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ, ડે. બાબાસાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝને જે-તે વખતની સરકારો દ્વારા માન-સન્માન આપવામાં આવ્યું નથી. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બાબાસાહેબ આંબેડકરનું પંચતીર્થ, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા અને તેમના કાર્યોને ઉજાગર કરાયાં છે. સરદાર પટેલની ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકારે ક્રાંતિકારીઓનાં યોગદાન અને તેમના પડદા પાછળની ન લખાયેલી વાતોને ઉજાગર કરીને વિભૂતિઓના સ્મારકો બનાવવામાં આવતા હોવાની વાત કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ 150મી જન્મજયંતીએ સાચા અર્થમાં અંજલિ આપવા અને ભારતને  એક સૂત્રતામાં બાંધવા આભાર વ્યક્ત કરવા માટે યુનિટી માર્ચનું આયોજન કરાયું  હોવાનું જણાવ્યું હતું. વક્તા ભરતસિંહ ભાટેસરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન-કવન ઉપર પ્રકાશ પાડયો હતો.  આદિપુરથી યાત્રા શરૂ થઈ  ટાગોર રોડરોટરી સર્કલઓસ્લો સર્કલ સહિતના વિસ્તારોમાં ફરી ગાંધીધામમાં ચાવલા ચોક સ્થિત સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.  વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા યુનિટી માર્ચનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર  સંજય રામાનુજ, મામલતદાર જાવેદ સિંધી તેમજ વિવિધ મંડલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd