નવી દિલ્હી, તા.27: અમેરિકા અને
ભારત વચ્ચે લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી છે તે વ્યાપાર સમજૂતી આખરે થવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંધિ થવાની છે અને તે ચીનની
જેમ જ એક બહુ મોટો સોદો હશે. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન બાદ હવે ભારતનો વારો છે. ગઈકાલે
વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે હમણાં જ અમેરિકાએ ચીન સાથે એક
સમજૂતી કરી છે. ભારત સાથે પણ એક મોટી સમજૂતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતી માટે નવ જુલાઈની સમયમર્યાદા છે ત્યારે ભારતનું
એક પ્રતિનિધિ મંડળ હાલ યુએસમાં છે અને વાટાઘાટો કરી રહ્યું છે. જોકે ટ્રમ્પે આ વ્યાપાર સમજૂતીમાં શું હશે અને બંને
દેશ વચ્ચે આ મુદ્દે વાતચીત કયાં સુધી પહોંચી છે તે અંગે કોઈ વિગત આપી ન હતી. ભારત અમેરિકાને
સ્પષ્ટ કહી ચૂક્યું છે કે બંને દેશને ફાયદાકારક હશે ત્યારે જ તે સમજૂતી કરશે. ભારત
વિશે મોટું નિવેદન કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ભારત માટે દરવાજો ખોલવા જઈ રહ્યા
છીએ. ચીન સાથે પણ અમે આવું કરી રહ્યા છીએ. આ એવી વસ્તુઓ છે જે પહેલાં કદી સંભવ હતી
નહીં. ટ્રમ્પનું નિવેદન સંકેત આપી રહ્યું છે કે અમેરિકા, ખાસ
કરીને ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત સાથે વ્યાપારિક સંબંધોને નવી દિશા આપવાની ઈચ્છા ધરાવે
છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા
દરેક દેશ સાથે વ્યાપાર કરશે નહીં. અમે માત્ર એક પત્ર મોકલશું અને કહીશું કે ધન્યવાદ.
પરંતુ હવે તમને 25,35 કે 45 ટકા ટેરિફ આપવો પડશે. ટ્રમ્પના
આ નિવેદન પહેલાં અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે પણ સંકેત આપ્યો હતો કે ભારત-અમેરિકા
વ્યાપાર સમજૂતી હવે વધુ દૂર નથી. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં તેમણે
કહ્યું હતું કે બંને દેશોએ અનેક મુદ્દા પર સમાન દ્રષ્ટિકોણ અપનાવ્યો છે જેથી સમજૂતી
થઈ શકે છે.