ભુજ, તા.26 : ખાવડા બાજુના આર.ઇ.પાર્કની
એક કંપનીના સ્ટોરમાં ગઇકાલે કામ દરમ્યાન અચાનક બેટરી બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને
આ આગમાં ગંભીર રીતે દાઝેલા 34 વર્ષીય પરપ્રાંતીય
યુવાન રિતેશ રામકૃપાલ શર્માનું ગઇકાલે જ, જ્યારે 43 વર્ષના પ્રેમકુમાર
સિંઘનું મધ્ય રાતે સારવાર દરમ્યાન મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી છે.
આ કરુણ બનાવ અંગે
ખાવડા પોલીસ મથકે ગઇકાલે પિન્ટુકુમાર બબન શર્માએ
જાહેર કરેલી વિગતો મુજબ ખાવડાના આર.ઇ.પાર્કમાં એસ.જે.વી.એન.સ્ટર્લિંગ વિલ્સન
કંપનીના પ્લોટ નં.2 અને 3 ખાતે કંપનીના સ્ટોરમાં તા.25/11ના બપોરે 2.30 વાગ્યાના અરસામાં કામ દરમ્યાન
શોટસર્કિટ કે અન્ય કારણોસર બેટરીમાં અચાનક જ બ્લાસ્ટ થતાં સ્ટોરમાં આગ લાગી હતી.આથી
સ્ટોરમાં કામ કરતા રિતેશ શર્મા (રહે.હસનપુરા, જિ.સારન, બિહાર) આખા શરીરે દાઝી જતાં મૃત્યુ પામ્યા છે.પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બીજી તરફ આ જ આગમાં અન્ય યુવાન પ્રેમકુમાર સિંઘ પણ
ગંભીર રીતે દાઝી જતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે વહેલી સવારે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ
લીધા હતા.પોસ્ટમોર્ટમ અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં લવાતાં ફરજ પરના તબીબે વિધિવત
મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીએ જાહેર કરાઇ છે.આ અંગે પોલીસનો સંપર્ક
કરતાં સ્ટોરમાં આગ લાગી ત્યારે ઉપરોકત બંને લોકો કામ કરતા હતા અને આગમાં દાઝવાથી બંનેના
વારાફરતી મૃત્યુ થયાં છે.