અંજાર, તા.26 : કચ્છની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત
સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા કચ્છ જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં
ડાયરેક્ટર તરીકે કચ્છના ઉદ્યોગપતિ અને જાણીતા દાતાની બિનહરીફ વરણી થઈ હતી.સંઘના કુલ
16 વિભાગની તમામ બેઠકો પર માત્ર
એક-એક ઉમેદવારી ફોર્મ રજૂ થતાં તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા
હતા.બેંક વિભાગમાંથી કચ્છના જાણીતા ઉદ્યોગપતિ, સેવાભાવી અને દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલની ડાયરેક્ટર તરીકે બિનહરીફ વરણી
થતાં તેમના પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો
તેમજ આહીર સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.બાબુભાઈ ભીમાભાઈ હુંબલ કચ્છના જાણીતા ઉદ્યોગપતિ
હોવાની સાથે ભુજોડી આહીર કન્યા શાળાના પ્રમુખ તરીકે પણ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે
મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.આહીર સમાજના દાનવીર દાતાર તરીકે તેમની વિશેષ ઓળખ
છે.
સમાજના ઉત્થાન, શિક્ષણના પ્રસાર અને જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ
થવા માટે તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે.તેઓ કોઈ પણ નાતજાત, જ્ઞાતિ
કે ધર્મના ભેદભાવ વિના સેવાકીય અને પરોપકારનાં કાર્યોમાં સહભાગી બને છે.સમાજના દરેક
વર્ગના લોકો સાથે આત્મીય સંબંધો જાળવી રાખવાની તેમની કાર્યશૈલી અને સેવાભાવી અભિગમને
કારણે તેમણે વ્યાપક લોકચાહના મેળવી છે.આ જવાબદારી તેમના અનુભવ, પ્રતિષ્ઠા અને સહકારી ક્ષેત્રમાં યોગદાન આપવાની નવી તક સમાન છે.