• શનિવાર, 14 નવેમ્બર, 2026

8.46 કરોડની સાયબર ઠગાઈમાં આં. રાજ્ય ટોળકી સકંજામાં

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, તેલંગાણા સહિતના રાજ્યોમાંથી 13 આરોપીને દબોચાયા : 3.82 કરોડ હોલ્ડ કરાવાયા

ગાંધીધામ, તા. 13 :  વેપારીના ખાતામાંથી અલગ-અલગ વ્યવહારો  મારફત 8.46 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વ્યાપક કવાયત આદરીને આંતરરાજ્યના શખ્સોની સંડોવણીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમ્યાન 13 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી  3.82 કરોડ રકમ હોલ્ડ કરાવવામાં સફળતા મળી છે. આ અંગે મળતી વિગતો મુજબ વેપારીના યશ બેન્કના એકાઉન્ટના સી.સી.ઓ.ડી. બેન્ક ખાતામાંથી વગર ઓ.ટી.પી. અને વગર ઓથોરાઇઝ રીતે નેટબેન્કિંગનું એક્સેસ મેળવી, તેમની કંપનીના ખાતામાંથી કુલ 211 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાયા હતા. ભેજાબાજ શખ્સોએ રૂા. 8,46,07,849 જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. સાયબર ફ્રોડના આરોપીઓને ઝડપી પાડવા અને વધુમાં વધુ રકમ પરત મળે તે માટે ઝડપી અને સ્માર્ટ સાયબર નેટવર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા પૂર્વ કચ્છ પોલીસે વ્યાયામ આદર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, બેન્ક એકાઉન્ટ ટ્રાસિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં આરોપીઓએ બોગસ (શેલ) કંપનીઓ અને ભાડાના અલગ-અલગ બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ટેકનિકલ એનાલિસીસ આધારે આરોપીઓ અલગ-અલગ રાજ્યોમાં હોવાનું ધ્યાને આવતાં પોલીસની અલગ-અલગ 10 ટીમ દ્વારા રાજ્ય બહાર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ તથા સાયબર એક્સલન્સ-ગાંધીનગરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ કાર્યવાહી  દરમ્યાન, ગુજરાત તથા આસામ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા તથા આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા ખાતેથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.  આરોપીઓના કબજામાંથી રૂા. 70 હજારની કિંમતના 14 મોબાઈલ ફોન, રૂા. 40 હજારની કિંમતના બે લેપટોપ, અને સીપીયુ-હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. હુણ  તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા તથા પીએસઆઈ એ.બી. કોવાડિયા, આર.એમ. ડુવા, ડી.જી. પટેલ, કે.જે. વાઢેર, સી.એમ. ચૌધરી તથા એલ.સી.બી. ટીમ,  અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ તથા સાયબર એક્સલન્સ-ગાંધીનગરની ટીમ તથા ગાંધીધામ સાયબર ક્રાઇમ ટીમ જોડાઈ હતી.

મુખ્ય આરોપી સામે વિવિધ રાજ્યમાં અનેક કેસ નોંધાયેલા

ગાંધીધામ, તા. 13 : મુખ્ય આરોપી પ્રવીણ રેગર વિરુદ્ધ દિલ્હીમાં 4 ગુના, રઝાક મંસૂરી વિરુદ્ધ રાજસ્થાન અને હરિયાણામાં 2 ગુના, હિરેન  સોનાગરા વિરુદ્ધ જામનગર, જોધપુર અને સુરતમાં 3 ગુના, કૈલાસચંદ્ર ભીલ વિરુદ્ધ જોધપુરમાં 1 ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd