ગાંધીધામ, તા. 2 : આદિપુરમાં પ્રભુદર્શન હોલની
દીવાલ નજીક દ્વિચક્રીય વાહન પર બેસી મેફેડ્રોન ડ્રગ્સ વેચવા બેઠેલા શખ્સને પકડી પાડી
રૂા. 29,000નો માદક પદાર્થ પોલીસે જપ્ત
કર્યો હતો. આદિપુરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે પોલીસ મથકે હતી ત્યારે મેઘપર બોરીચીની
ભક્તિધામ સોસાયટીમાં રહેનાર નિખિલ માંગેલાલ ગેહલોત નામનો શખ્સ પ્રભુદર્શન હોલ પાસે
માદક પદાર્થ સાથે આવનાર હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કમર કસી હતી. મોડી રાત્રે
પોલીસ હોલની દીવાલ નજીક પહોંચતાં એક એક્સેસ પર બેઠેલો શખ્સ જણાયો હતો. આ શખ્સ નિખિલને
પકડી પાડી તેના પેન્ટની તપાસ કરાતાં ડિજિટલ વજન કાંટો તથા ઝીપવાળી નાની થેલીમાં માદક
પદાર્થ જણાયો હતો. આ પદાર્થ મેફેડ્રોન હોવાનું તેણે જણાવ્યું હતું. તેને બિટ ચોકી લઈ
જઈ એફ.એસ.એલ. અધિકારીને બોલાવાયા હતા. અધિકારીએ પ્રાથમિક પૃથક્કરણ કરતાં આ પદાર્થ મેફેડ્રોન
જ હોવાનું તારણ આપ્યું હતું. તેનું વજન કરાતાં 2.900 મિલિગ્રામ વજન થયું હતું. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 29,000નો માદક પદાર્થ, વજનકાંટો, મોબાઈલ,
રોકડ રૂપિયા તથા મોપેડ નંબર : જી.જે. -12-ડી.ક્યુ. -0683 એમ કુલ રૂા. 67,130નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ શખ્સે મોંઘો માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને કોને વેચાણ આપવાનું હતું તે અંગે
પકડાયેલા શખ્સે કોઈ જવાબ આપ્યો ન હતો, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.