ગઢશીશા (તા. માંડવી) તા. 29 : અહીંની ગઢશીશા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીને ગોડાઉન
માટે ફાળવાયેલી જમીન પર અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલું દબાણ દૂર કરવા મુખ્યમંત્રી
સમસ્ત લેખિતમાં રજૂઆત કરાઈ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માંડવીના ચેરમેન ભાઈલાલ
છાભૈયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર મંડળીના સભ્ય
ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે મંડળીને ખાતર અને ખેડૂતોને
અનાજ સંગ્રહ માટે ગોડાઉનની સગવડ ઊભી કરવા સરકાર દ્વારા રાહતદરે જમીનની ફાળવણી કરવામાં
આવી છે. પરંતુ મંજૂર થયેલી આ જમીન પર ગામના અસામાજિક તત્ત્વો દ્વારા વર્ષ 2019-20થી દબાણ કરાયું છે. આ દબાણો
દૂર કરવા સંબંધિત અધિકારીઓને ચારેક વખત લેખિતમાં જાણ કરી હોવા છતાં દબાણ દૂર થયું નથી.
વળી, આ જમીન ફાળવણી બાદ બાંધકામ માટે સમયમર્યાદા
હોવાથી સત્વરે દૂર કરવા માંગ કરાઈ છે.