ભુજ, તા. 29 : મુંદરાના પોર્ટ માર્ગે ગઇકાલે
રાત્રે નોકરી કરી પરત ફરતા ભોરારાના બાઇકચાલક 24 વર્ષીય યુવાન નવલસિંહ નટુભા જાડેજાને બોલેરોએ અડફેટે લેતાં મોત
નીપજ્યું હતું. મુંદરા પોર્ટ એન્ડ એસઇઝેડમાં આવેલી ક્રેપ કંપનીમાં નોકરી કરતા નવલસિંહ
જાડેજા ગઇકાલે તા. 28/9ના તેમની
નોકરી પૂર્ણ કરી રાત્રે 8.30 વાગ્યાના
અરસામાં પરત તેની બાઇક નં. જી.જે.-12-ડી.કયુ.-4738વાળીથી આવી
રહ્યા હતા, ત્યારે ગેટ નંબર 24 પાસે જ બોલેરો ગાડી નં. જી.જે.
-12-બી.એક્સ.-7604વાળીએ બેદરકારીભરી રીતે ચલાવી
નવલસિંહની બાઇકને અડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચાડતાં તેનું મોત નીપજ્યું હતું. બોલેરો
ગાડી રોંગ સાઇડમાં આવી હતી. ગાડીનું આગળનું ડ્રાઇવર સાઇડનું ટાયર ફાટી ગયું હતું. લાઇટ, આજુબાજુનો ભાગ તથા મુખ્ય કાચ તૂટી ગયા હતા.
આ અંગે મૃતક નવલસિંહના કાકાઇ ભાઇ મહિપતસિંહ ધીરુભા જાડેજાએ મુંદરા પોલીસ મથકે ફરિયાદ
નોંધાવતાં પોલીસે બોલેરોચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.