ગાંધીધામ, તા. 14 : શહેરની ભાગોળે સ્મશાન પુલિયા
નજીક આગળ જતી બાઇકને પાછળથી ટ્રેઇલરે હડફેટમાં લેતાં રામચંદ્ર ભગીરથ ગોદારા નામના યુવાનનું
મોત થયું હતું. બીજીબાજુ શહેરના એકતાનગર કાર્ગોમાં પીયૂષ બાબુ (ઉ.વ. 20)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન
ટૂંકાવી લીધું હતું. મીઠીરોહર મહાલક્ષ્મી પ્લોટમાં રહેનાર ફરિયાદી રાકેશકુમાર રામાનંદ
યાદવને આજે કમરમાં દુ:ખાવો થતો હોવાથી તે તથા રામચંદ્ર ગાંધીધામ દવા લેવા આવ્યા હતા.
અહીં તબીબને બતાવી બાઇક નંબર જી.જે. 39-કે. 3359થી પરત મીઠીરોહર
જઇ રહ્યા હતા. દરમ્યાન સ્મશાન પુલિયા નજીક તેમને અકસ્માત નડયો હતો. પાછળથી આવતા ટ્રેઇલર
નંબર જી.જે. 12-એ.વાય. 4185એ ટક્કર મારતાં બંને યુવાન
નીચે પટકાયા હતા અને બાદમાં રામચંદ્ર ઉપર તોતિંગ વાહનના પૈડા ફરી વળતાં તેનું બનાવ
સ્થળે જ મોત થયું હતું. અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામના એકતાનગર કાર્ગોમાં બન્યો હતો.
અહીં રહેનાર પીયૂષ નામનો યુવાન પોતાના ઘરે હતો. દરમ્યાન તેણે અગમ્ય કારણોસર પતરાવાળી
ઓરડીમાં લોખંડના પાઇપ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ
કરી આગળની તપાસ હાથ ધરી છે.