ભુજ, તા. 14 : તા. 1-1-20થી 7-6-26 દરમ્યાન મુંદરા પોર્ટના યાર્ડમાંથી
ઈન્ડોનેશિયન કોલસાના બદલે ઊંચી ગુણવત્તાવાળો યુ.એસ. કોલસો આશરે 14864 મેટ્રિક ટન જેની કિં. રૂા.
17,83,68,000 મેળવી તમામ આરોપીઓએ ગુનાહિત
કાવતરું રચી એકબીજાની મદદગારી કરી ફરિયાદી કંપની સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની
ફરિયાદ તા. 7-6-26ના મુંદરા પોલીસ ખાતે નોંધાવાઈ
હતી. આ આક્ષેપવાળી ફરિયાદના કામે આરોપી સંજય રામબન વર્માની અટક થઈ હતી અને રિમાન્ડ
અંશત: મંજૂર થયા હતા. કોર્ટે જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો
હતો. ચાર્જશીટ રજૂ થતાં આરોપી સંજયે ભુજની એ.ડી. સેશન્સ કોર્ટ (નવમી)માં જામીન અરજી
કરતાં કોર્ટે શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે વકીલ પારુલ વાય. સોની
હાજર રહ્યા હતા.
મુંદરાના હેરોઈન ડ્રગ્સના કેસમાં આરોપીના જામીન મંજૂર
ગત તા. 25-8-26ના
મોટા કાંડાગરામાંથી ઓપિયમ (હેરોઈન) 12 ગ્રામ કિં.રૂા. 2,40,000 સાથે આરોપી સાગર મેન્યુઅલ મસિહ અને મલકીતસિંગ ગુરબિતસિંગ (રહે.
મૂળ પંજાબ હાલે મોટા કાંડાગરા)ને પોલીસે ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ તળેનો ગુનો દાખલ થયો
હતો. આ કેસમાં મલકીતસિંગે સ્પે. (એનડીપીએસ)ની કોર્ટમાં નિયમિત જામીન અરજી કરતાં અદાલતે
જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે એડવોકેટ તરીકે કુલદીપ જિતેન્દ્રભાઈ મહેતા હાજર રહ્યા
હતા.
નિરોણાની મિલકતમાં કબજાનો દાવો મંજૂર
1995ની સાલમાં નિરોણાના મુગલ હુશેન શાહુબેગએ નખત્રાણા અદાલત સમક્ષ
નિરોણા મધ્યે આવેલા મિલકત નં. 32 બાબતે દીવાની
દાવો દાખલ કર્યો હતો. જે બાબતે જે-તે વખતે મુગલ હુશેનની તરફેણમાં અદાલતે ચુકાદો આપ્યા
બાદ ડિસ્ટ્રીક્ટ અદાલતમાં અપીલ દાખલ થઈ હતી. જેમાં પણ ડિસ્ટ્રીક્ટ કોર્ટે દાવો માન્ય
રાખ્યો હતો. આ બાબતે નખત્રાણાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સમક્ષ દાખલ કરવામાં આવેલી
જે તામિલ તળે 9-9-26ના મામલતદાર તથા સર્કલ ઓફિસર
અને તલાટીને આદેશ કરવામાં આવ્યો અને મુગલ હુશેનનો કબજો તાત્કાલિક સોંપવા હુકમ ફરમાવ્યો
હતો અને મિલકતનો કબજો મેળવ્યો હતો. મુગલના વકીલ તરીકે નખત્રાણાના સિનિયર વકીલ વસંતદાન
ગઢવી હાજર રહ્યા હતા.
કોડાય પુલ પાસે કોમર્શિયલ દબાણ તોડી પાડવા હુકમ
માંડવીના કોડાય પુલ પાસે આવેલા વર્ધમાન નગર સોસાયટીના સાર્વજનિક
પ્લોટની બાજુમાં પાણીના વહેણ ઉપર નારાણ કરમણ ગઢવી તથા રતન વિશ્રામ ગઢવી દ્વારા કોમર્શિયલ
દુકાનોનું બાંધકામ શરૂ કરતા મયંક રણછોડદાસ ગોરડિયાએ માંડવી કોર્ટમાં દાવો કરી સરકારી
જમીન પર દબાણ ન કરવા તથા પાણીનું વહેણ ખુલ્લું રાખવાની દાદ માગી હતી જે દાવો ચાલી જતાં
અધિક સિવિલ જજ દેવાંશુ શર્માએ સાઠ દિવસની અંદર કોમર્શિયલ દબાણ તોડી પાડી પાણીનું વહેણ
ખુલ્લું રાખવાનો હુકમ ફરમાવ્યો છે. આ દાવા કામે વાદી મંયક ગોરડિયાના વકીલ તરીકે દેવાયત
એન. બારોટ, ખીમરાજ ગઢવી અને તેમની
સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી,
જયેશ કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.