• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ક્રૂડના ભાવોનો પડકાર

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ ક્યારે શાંતિની આશા તો ક્યારેક જંગના ભડકાના માહોલે દુનિયાનાં અર્થતંત્રો પર મોટી અસર કરી છે. ક્રૂડતેલના ભાવોમાં સતત વધઘટની ભારત પર પણ અસર વર્તાઈ રહી છે. તાજેતરમાં ઈરાન અને અમેરિકાએ એકમેક પર હુમલા વધારી દેતા ક્રૂડના ભાવ બેરલે 100 ડોલરને પાર થઈ જતાં ભારતી બજારથી માંડીને સામાન્ય માનવીની રસોઈ સુધી બોજો વધ્યો છે.  ક્રૂડના ભાવ વધારાના પડકારને પહોંચી વળવા સરકારથી માંડીને સમાન્ય નાગરિકો સુધી સૌએ હવે કમર કસવી પડશે.   ઉલ્લેખનીય છે કે, છેલ્લે એપ્રિલથી જૂન વચ્ચેના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન ભારતે 7.8 ટકાનો ઉત્સાહજનક વિકાસ દર હાંસલ કરીને પોતાની આર્થિક તાકાતનો વિશ્વને પરચો કરાવી દીધો છે, પણ ભારતને તેની ઊર્જા જરૂરતો માટે જે રીતે ક્રૂડ તેલ પર આધારિત રહેવું પડે છે તેના ભાવોથી આર્થિક વિકાસનો આનંદ કડવો બની રહ્યો છે. સીધી અને સ્પષ્ટ વાત છે કે, કોઈ પણ અર્થતંત્રના વિકાસ આડે મોંઘવારીના સમીકરણ ચાવીરૂપ બની રહેતાં હોય છે, તેમાં ક્રૂડ તેલના ભાવોમાં આ ઉછાળો તમામ સ્તરે મોંઘવારીનું કારણ બની જાય છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ માત્ર વાહનોનાં સંચલાન માટે ઉપયોગમાં હોય છે એમ હોતું નથી. વાહનોનું  ઈંધણ મોંઘું થાય એટલે માલસામાનનું પરિવહન પણ મોંઘું થાય. સાથોસાથ ઉત્પાદન ખર્ચ પણ વધી જાય છે. કૃષિથી માંડીને બાંધકામ સહિતનાં ક્ષેત્રોમાં પેટ્રોલિયમ પેદાશો ચાવીરૂપ હોય છે. આવામાં ક્રૂડના ભાવો વધવાથી તેની તમામ ક્ષેત્ર પર અસર વર્તાતી હોય છે. આમે ક્રૂડ તેલની આયાતનો બોજો અર્થતંત્ર પર હદ બહાર રહેતો આવ્યો છે. આવામાં તેની કિંમત વધતાં આ બિલનો બોજ પણ વધી જતો હોય છે.  વધુ મોંઘી આયાત એટલે વધુ ડોલરના ખર્ચ સરવાળે દેશના વિદેશી હુંડિયામણના ભંડાર પર પણ તેની અસર પડે છે. રૂપિયો નબળો પડે, તો બીજી આયાતો પણ મોંઘી થઈ જાય. આમ, ક્રૂડના વધતા ભાવોનું વિષચક્ર આર્થિક વ્યવસ્થાને ખોરવી નાખે તેમ છે. આવા સંજોગોમાં દેશનાં અર્થતંત્રની ખરી કસોટી થશે એ નક્કી છે. એક તરફ ભાવોને કાબૂમાં રાખવા કોઈ પણ હિસાબે ઈંધણના ભાવો વધે નહીં એની ચિંતા સરકારે કરવાની રહેશે. સાથોસાથ ઈંધણના વિકલ્પો શોધવાની મહેનતને વધારવાની પણ હવે તાતી જરૂર છે. ક્રૂડ આધારિત ઈંધણનાં સ્થાને વીજ આધારિત વાહનો અને અન્ય વિકલ્પોને પ્રચલિત કરવા પર સરકારે હવે સતત ધ્યાન આપવાની જરૂરત છે. દેશે ભારે મુશ્કેલી સાથે 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે, ત્યારે તેને જાળવી રાખવા વૈકલ્પિક ઈંધણના વપરાશને વધારીને ક્રૂડ તેલના બેલગામ ભાવોની અસરને હળવી કરવાનો ઉપાય તત્કાળ કરવો પડશે. આ પડકારનો એક માત્ર ઉકેલ ક્રૂડ પરનું અવલંબન ઘટાડાનો છે એ સમજી લેવાની ખાસ જરૂરત છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd