• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

મુખ્યમંત્રીનો કાર્યકાળ : પ્રાપ્તિ અને પડકારો

ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કર્યાં, 156 બેઠકની ગંજાવર બહુમતિ સાથે ડબલ એન્જિનની સરકારની રચના કરી તેને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. પડકારો અને પ્રાપ્તિઓના બે કિનારા વચ્ચે તેમની આ અવધિ રહી છે. 2021માં સ્વ. વિજયભાઈ રુપાણીએ મુખ્યમંત્રીપદ ઉપરથી રાજીનામું આપવું પડયું તે પછીનો સમય પ્રશ્નાર્થોથી ભર્યો હતો. કેટલાક કલાકો એવા પ્રશ્ન હતા કે હવે કોણ? ભૂપેન્દ્રભાઈએ સત્તા સંભાળી પછી જનમુખે એવો સવાલ હતો કે, ભૂપેન્દ્રભાઈ પટેલ? આ સવાલના અનેક સૂચિતાર્થો હતા, પરંતુ આ પાંચ વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ કોઈ પ્રકારની `દાદાગીરી' કર્યા વગર `દાદાપણુ' પૂરવાર કરીને સવાલના જવાબ બોલીને નહીં કામ કરીને આપી શક્યા છે. પક્ષના વરિષ્ટ નેતા તરીકે તેઓ ઊભર્યા છે સાથે જ ગુજરાતમાં સ્થિર શાસનની પરંપરા તેઓ જાળવી શક્યા છે. વિકાસની ક્ષિતિજો તરફ જઈ રહેલું પાંચ સ્તંભ આધારિત રૂા. 4.08 કરોડનું રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં રજૂ થયું છે. દેશભરમાં જેની ચર્ચા ઘણા વર્ષોથી હતી તે `યુસીસી'- સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરવામાં સરકાર સફળ રહી અને એક વર્ગની નારાજગીના `અન્ડર કરંટ' વચ્ચે પણ નિર્વિરોધ તેને બહાલી મળી ગઈ, કાનૂની ક્ષેત્રે બીજી સિદ્ધિઓ આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક, શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયક ગણી શકાય. છ સેમિકન્ડક્ટર પ્લાન્ટને એકસાથે મંજૂરી મળી હોય તેવું એક માત્ર રાજ્ય આખા દેશમાં ગુજરાત છે. `વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024'ના 10મા સંસ્કરણનું આયોજન અને તે પણ પ્રાંતીય-ક્ષેત્રીય ધોરણે થયું. 2030ના વર્ષમાં ગુજરાત કોમનવેલ્થ રમતોનું યજમાન બનવાનું છે. સરકારી શાળા-સંસ્થાનોની સરખામણીમાં શિક્ષણનું નિજી ક્ષેત્ર વધારે સક્ષમ બન્યું છે તે સ્પષ્ટ દેખાય છે. સામાન્ય વર્ગને ગુણવત્તાસભર શિક્ષણ મોંઘું પડી રહ્યું છે. સરકારી યુનિવર્સિટીઓના સ્તર માટે શિક્ષણ વિભાગે વધારે `િરસર્ચ', `હોમવર્ક' કરીને `િરઝલ્ટ' લાવવું જરૂરી છે. `ગ્રાન્ટ ઈન એઈડ' કોલેજોમાં ફક્ત `સીસીટીવી' કેમેરા નહીં, સરકારે `માઈક્રોસ્કોપ'-`ટેલિસ્કોપ' મૂકવા જોઈએ. નવી ભરતી, `નમો લક્ષ્મી' જેવી યોજનાઓ, શાળા છોડીને જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો સહિતના આંકડા છે. તે વધારે ઘાટા થાય તો આવકાર્ય. વર્તમાન સરકાર સામે પડકારો પણ આવ્યા છે. 2022માં જ મોરબીની ભયાનક પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી બોટ પ્રકરણ, અમદાવાદમાં લાગેલી આગ, રાજકોટનો ટીઆરપી કાંડ, સુરતમાં આવેલાં પૂર સહિતની આપદાઓ આવી. શહેરીકરણમાં સરકારે નોંધપાત્ર કામ કર્યું, પરંતુ વરસાદી પાણીના નિકાલ, હાઈ-વેના કામના ચાલી રહેલા પ્રકલ્પોમાં વિલંબ સહિતની બાબતો માધ્યમોમાં ચમકતી રહી છે. કોઈ મોટા વિવાદ ભૂપેન્દ્રભાઈ પટેલના સમયમાં થયા નથી. તેમણે બધાને સાથે રાખીને કામ કર્યું છે. સૌમ્ય વ્યક્તિત્વ, સૌજન્યપૂર્ણ વ્યવહારે અધિકારીઓ-કર્મચારીઓમાં, સાથી મંત્રીઓમાં કોઈ અસંતોષ ઊભો થવા નથી દીધો અને છતાં `ઓપરેશન ગંગાજળ' જેવા અભિયાન થકી ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકારે પગલાં લીધાં છે. આર્થિક ક્ષેત્રે વૈશ્વિક પરિવર્તન વચ્ચે ગુજરાતની ગ્રોથ ગાથા આગળ વધી છે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. દેશના પ્રવાહોના પરિવર્તનની અસરની પણ સંભાવના તો ખરી છતાં ગુજરાત સરકારે પોતાની દિશા અને ગતિ ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. પાંચ વર્ષના અનુભવ ઉપરથી કહી શકાય કે સરકાર તે ધ્યાન આપશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd