નવી દિલ્હી, તા. 14 : પશ્ચિમ એશિયામાં
તાણ તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચેય ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રીતે
આગળ વધતી હોવાના દાવાઓ વચ્ચે મોંઘવારી માથાંનો દુ:ખાવો બની રહી છે. ઓગસ્ટમાં જથ્થાબંધ
મોંઘવારી વધીને 9.92 ટકા સાથે
આઠ મહિનાની ટોચે પહોંચી ગઈ હતી. બીજી તરફ, છૂટક મોંઘવારી દર પણ ઓગસ્ટમાં વધીને 4.82 ટકા થઈ ગયો હતો, જે જુલાઈમાં 4.45 ટકા હતો. છૂટક ખાદ્ય મોંઘવારી
દર જુલાઈના 5.52 સામે ઓગસ્ટમાં વધીને 5.95 ટકા થઈ ગયો હતો. સરકારી આંકડા
અનુસાર આ દર જુલાઈમાં નોંધાયેલા 9.78 ટકાની તૂલનાએ
વધારે છે. ખાસ તો ખાવા-પીવાની ચીજો, ઈંધણ, ઊર્જા મોંઘા થવાના કારણે આ વધારો આવ્યો છે. કેન્દ્ર
સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે આંકડા જારી કર્યા હતા. દેશમાં મોંઘવારીનું
દબાણ લગાતાર વધતાં સામાન્ય માણસના ગજવાં પર તેની ગંભીર અસર પડી રહી છે. ખાદ્ય મોંઘવારી
જુલાઈના 6.65 ટકા સામે
ઓગસ્ટમાં વધીને 7.05 ટકા થઈ ગઈ છે. ઈંધણ અને વીજળીની જથ્થાબંધ મોંઘવારી 22.93 ટકા નોંધાઈ છે. પશ્ચિમ એશિયાના
યુદ્ધ અને હોર્મુઝની નાકાબંધીથી વૈશ્વિક સ્તર
પર ક્રૂડતેલની કિંમતો વધી છે. ભારતમાં મોટાભાગનું
ક્રૂડતેલ હોર્મુઝ માર્ગેથી આયાત કરાય છે. તેલ સાથે ખાતરના ભાવ પણ વધ્યા છે. વૈશ્વિક
ઘટનાક્રમોની અસરે ભારતમાં મોંઘવારી વધારી છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ વીતેલા
મહિને રેપોદરમાં કોઈ જ બદલાવ નહીં કરતાં 5.25 ટકા પર સ્થિર રાખ્યા હતા. આરબીઆઈની
આર્થિક નીતિ સમિતિએ 2027નાં નાણાંકીય
વર્ષ માટે છૂટક મોંઘવારીનું અનુમાન પાંચ ટકા રાખ્યું છે. આ અનુમાન પાછળ અપૂરતાં અને
અનિયમિત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાં સાથે અલ નીનોની સ્થિતિને મુખ્ય કારણ લેખાવાયાં છે.