નવી દિલ્હી, તા. 14 : એશિયા કપનું
આયોજન એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા કરવામાં આવે છે અને તેના અધ્યક્ષ મોહસીન
નકવી છે. તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ છે. જ્યારે પણ એશિયા કપ રમાય છે
ત્યારે નકવી ટ્રોફી આપવા પહોંચી જાય છે. જોકે, ભારતીય ટીમનું વલણ એકદમ સ્પષ્ટ છે કે તેઓ નકવીના હાથથી ટ્રોફી લેશે નહીં. ભારતની પુરુષ અને મહિલા ટીમ નકવીનો બહિષ્કાર કરી
ચૂકી છે. ત્યારે પ્રશ્ન થાય કે આવું ક્યાં સુધી ચાલશે? જોકે,
નકવીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. એસીસી અધ્યક્ષ તરીકે નકવીનો કાર્યકાળ
એપ્રિલ 2027 સુધીનો જ છે. આશરે સાત મહિના
જ બચ્યા છે. નકવીએ એપ્રિલ 2025માં આ પદ
સંભાળ્યું હતું. એસીસી અધ્યક્ષ બે વર્ષ માટે ચૂંટાય છે. આ હિસાબે એપ્રિલ 2027માં તેમનો કાર્યકાળ સમાપ્ત
થઈ જશે. આ પદ રોટેશન પોલિસી હેઠળ રહે છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા,
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે વારાફરતી અધ્યક્ષની પસંદગી કરવામાં
આવે છે એટલે કે નકવી ફરીથી આ પદ પર આવે તેવી કોઈ જ સંભાવના નથી. આગામી એશિયા કપ મે
2027માં રમાશે. ત્યાં સુધીમાં નકવી
આ પદ પર નહીં રહે અને કોઈ નવા અધ્યક્ષની પસંદગી થઈ ચૂકી હશે. આગામી એશિયા કપ બાંગ્લાદેશમાં
યોજાય તેવી પ્રબળ સંભાવના છે અને 2027માં એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે.