• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ભુજના કોર્ટ સંકુલમાં ખુલ્લેઆમ છરીથી હુમલો

ભુજ, તા. 2 : શહેરની સેશન્સ કોર્ટના પ્રાંગણમાં જૂની અદાવતનું મનદુ:ખ રાખી છરીથી હુમલો કરતાં ચકચાર ફેલાઈ હતી. આ બનાવ સમયે હાજર નાયબ પોલીસ અધીક્ષકે સમયસૂચકતા વાપરી હુમલાખોરના હાથમાંથી છરી ઝૂંટવી અટક કરી હતી, જ્યારે ઘાયલ યુવાનને તાત્કાલિક જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો અને આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. મયૂરગર ગુસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી રાહુલ ઉર્ફે માસાડોએ મેં એક ખૂન કર્યું છે અને બીજું તારું કરીશ તેમ કહી ગાળો બોલી ઉશ્કેરાઈને ભેઠમાં રહેલી છરી મયૂરગરને મારી હતી, જેમાં તેને પેટની જમણી બાજુ ઈજાઓ પહોંચી હતી. આ અંગે ડીવાય એસપી શ્રી ક્રિશ્ચિયને વિગતો આપતાં જણાવ્યું હતું કે, 2023ના ગુનાના આરોપીઓ રાહુલ કરસન મારવાડા, અરુણ રામજી મારવાડા, કિરણ ખીમજી પાયણ અને સચિન મૂળજી મેરિયાની કોર્ટમાં સુનાવણી હતી, જે દરમિયાન જૂની અદાવતના પગલે આરોપી રાહુલ અને મયૂરગર મહેશગર ગુસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો તેમ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અદાલતમાં હાજર ડીવાય એસપી શ્રી ક્રિશ્ચિયન સહિતના પોલીસ સ્ટાફે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આરોપીના હાથમાંથી છરી છીનવી લઈ તેની અટક કરી હતી, જ્યારે ઘાયલ યુવકને સારવાર માટે તાત્કાલિક સારવાર અર્થે ખસેડયો હતો. અટક કરાયેલા આરોપી રાહુલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તે છરી જેવું ઘાતક હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે જાણવા સહિતની પીઆઈ શ્રી નકુમે તપાસ હાથ ધરી હોવાનું નાયબ પોલીસ અધીક્ષક શ્રી ક્રિશ્ચિયને જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd