અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં
કચ્છની છાત્રા સાથે દુષ્કર્મના ખળભળાટ મચાવનારા બનાવ બાદ દબાચાયેલો આરોપી પોલીસની રિવોલ્વર
છીનવી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથેની ઝપાઝપીમાં દુષ્કર્મના આરોપી અને પોલીસ કોન્સ્ટેબલને
પગમાં ગોળી વાગી હતી. આરોપીને ગોળી વાગતાં તે કરગર્યો.. સાહેબ મને માફ કરી દો... જીવનમાં
આવું ક્યારેય નહીં કરું. અમદાવાદના આનંદનગરમાં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા
સિક્યોરિટી ગાર્ડ ધર્માસિંહને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. નરાધમ પીડિતા
ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીનો ફોન પણ લઈને હેબતપુર તરફ ભાગી ગયો હતો. પોલીસે પંચનામું
કરવા તેને હેબતપુર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક લઈ ગઈ હતી,
જ્યાંથી તેણે આપેલી માહિતી મુજબ બે મોબાઈલ ફોન મળ્યા હતા. પંચનામાની
પ્રક્રિયા દરમિયાન આરોપીએ પીઆઈની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપીમાં
રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી કોન્સ્ટેબલને
જ્યારે બીજી ગોળી આરોપીના જમણા પગમાં વાગતાં બંનેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.
ગોળી વાગ્યા બાદ આરોપી લોહીલુહાણ હાલતમાં લંગડાતા પગે રીતસરનો પોલીસ સમક્ષ કરગરી રહ્યો
હતો. તેણે પોલીસને આજીજી કરતાં કહ્યું કે, સાહેબ માફ કરી દો...જીવનમાં
ક્યારેય આવું નહીં કરું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ દુષ્કર્મ
કેસમાં સંડોવાયેલા આરોપી ધર્માસિંહ રાઠોડ વિરુદ્ધ વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસના
જણાવ્યા મુજબ, આરોપીને ગુનાના ઘટનાસ્થળે પંચનામા અને ઘટનાક્રમનું
પુન:નિર્માણ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ આનંદનગર પોલીસ સ્ટેશનના
પી.આઈ. આર.એસ. પરમારની સર્વિસ રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાસ્થળે
આરોપી સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વરમાંથી
ફાયારિંગ થયું હતું. ફાયારિંગમાં પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રાસિંહ રાઠોડને સાથળના ભાગે
ગોળી વાગી હતી, જ્યારે પોલીસે સ્વબચાવમાં બીજી ગોળી આરોપી ધર્માસિંહના
જમણા પગમાં મારી હોવાનું જણાવાયું છે. બંનેને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સોલા
સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને
કારણે મૂળ દુષ્કર્મ કેસની તપાસ સાથે પોલીસે બીજી ફરિયાદ પણ નોંધી છે. બોડકદેવ પોલીસ
હવે હથિયાર ઝૂંટવાનો પ્રયાસ અને ફાયારિંગ સંબંધિત સમગ્ર ઘટનાની પણ તપાસ કરશે. આ અંગે
બોડકદેવ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાની કોશિશ, સરકારી અધિકારીને તપાસમાં ઈજા પહોંચાડવી વગેરે બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે. આનંદનગર ખાતે રહેતી કચ્છની યુવતી અગાસી પર ચાલી રહી હતી, ત્યારે રવિવારે સોસાયટીના જ સિક્યોરિટી ગાર્ડે ગળામાં વાયરનો ટૂંપો આપીને દુષ્કર્મ
ગુજાર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસની
10 ટીમ બનાવીને આરોપી ધર્માસિંહ
રાઠોડ (ઉ. 27, રહે. મૂળ હરદોઈ ઉત્તર પ્રદેશ
અને હાલ કર્મજ્યોત-3 બહાર જોધપુર)ની
હેબતપુરમાંથી ધરપકડ કરી હતી.
સમૃદ્ધ સમુદાય શર્મશાર : નરાધમ સામે ફિટકાર સાથે માવિત્રો અમદાવાદ
દોડી આવ્યા
અમદાવાદ, તા. 10 : કચ્છની દીકરી ઉપર અમદાવાદ જેવા
સાંસ્કૃતિક શહેરમાં થયેલા જઘન્ય અપરાધથી રોષની લાગણી સપાટી ઉપર આવી છે. દુષ્કર્મની
ઘટનાએ માવતરોને હચમચાવી નાખ્યા છે અને સમૃદ્ધ
સમાજમાં બધું રેઢું પડયું હોવાની છાપ જાગૃતોને કોરી રહી છે, તો નરાધમ
યુવકને દેખાડા માટે પગમાં ગોળી મારી મામલો શાંત કરવાના તંત્રના પ્રયાસો સામે
ફિટકાર વરસ્યો છે અને લેવાયેલ પગલાં અપૂરતાં હોવાની લાગણી પ્રસરી છે. બીજીબાજુ અમદાવાદ
શહેરમાં સંસ્થાકીય હોસ્ટેલો અને પેઈંગગેસ્ટમાં રહેનાર છાત્ર-છાત્રાઓને મળવા માવતરો
દોડી આવ્યા હતા. ઓળખ છતી ન થાય એ સારા હેતુથી સામાજિક રજૂઆતો કરાતી ન હોય છતાં જેને-જેને
ખબર પડતી ગઈ તેમ તેમ અસુરક્ષાની લાગણી ઘટ્ટ બની હતી. જાગૃત અને સંવેદનશીલ સભ્યોએ તંત્રને
આવેદન આપવા રજૂઆત કરી હતી, પણ જો સમાજની ઓળખ છતી થાય તો આખાય
સમાજનું ખરાબ લાગે એવી સમજાવટથી ઘેરો સન્નાટો છવાયો છે. દરમ્યાન ભોગગ્રસ્ત પરિવારને
સેવાભાવી વ્યક્તિઓએ મળી મનોબળ આપ્યું હતું.