• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ચિયાસરનાં તળાવમાં પબડી કાઢવા ઊતરેલા વૃદ્ધનું ડૂબવાથી મોત

નલિયા (તા. અબડાસા), તા. 10 : અબડાસા તાલુકાના ચિયાસર ગામનાં તળાવમાં રવિવારે પબડી કાઢવા ઊતરેલા એક 60 વર્ષીય વૃદ્ધ નથુભાઇ કોળીનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. સોમવારે સવારે તળાવ કિનારેથી તેમના ચંપલ અને દાંતરડું મળી આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં મગર ખેંચી ગયાની અફવાઓ ઊડી હતી, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે. બનાવની વિગત મુજબ ચિયાસર ગામના સરપંચ પ્રતિનિધિ મજીતભાઈ મિંયાજીના જણાવ્યા અનુસાર ભોજાય ગામના 60 વર્ષીય નથુભાઈ કોળી રવિવારના ગામનાં તળાવમાં ઊગતા કમળના ઝાડમાંથી `પબડી' કાઢવા માટે ઊતર્યા હતા. દરમિયાન  સોમવારે સવારે તળાવના કાંઠે નથુભાઈના ચંપલ અને દાંતરડું પડેલા જોવા મળતાં ગ્રામજનો ઊમટી પડ્યા હતા. કોઈ શખ્સ તળાવમાં ડૂબ્યો હોવાની આશંકા જતાં તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈ નલિયા પોલીસ, મામલતદાર તેમજ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહને બહાર કાઢવા માટે રાતા તળાવથી ખાસ બોટ મગાવવામાં આવી હતી. તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ નથુભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ અર્થે નલિયાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવને પગલે સોશિયલ મીડિયામાં વૃદ્ધને મગર ખેંચી ગયો હોવાની અફવા વહેતી થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પબડી કાઢતી વખતે અકસ્માતે ડૂબી જવાથી જ આ ઘટના બની હોવાનું જણાયું છે. તળાવમાં મગર છે. મગર ખેંચી જવાના કારણે નહીં પણ ડૂબી જવાનાં કારણે મોત થયું હતું. જો કે, તળાવમાંથી મગર બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા પાંજરું પણ ગોઠવામાં આવ્યું છે. બનાવને પગલે નલિયા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd