• બુધવાર, 01 જુલાઈ, 2026

માંડવી વિસ્તારમાં વનતંત્રે દબાણ હટાવ્યું

માંડવી, તા. 30 : માંડવીના ઢુવા અનામત જંગલ વિસ્તારમાં દબાવવામાં આવેલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. વન વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં 600 ચોરસ મીટર પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકનાં માર્ગદર્શન હેઠળ માંડવી નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પોલીસ ઇન્સપેક્ટર-માંડવી, પોલીસ સ્ટાફ તથા માંડવી નોર્મલ રેન્જના વનપાલ અને વનરક્ષક સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માંડવી રાઉન્ડની ગુંદિયાળી બીટ હેઠળ આવેલા માંડવી ઢુવા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારના સર્વે નં. 370/93 પૈકી 109માં આવેલા જંગલ વિસ્તારમાં વન વિભાગની જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં. કાર્યવાહી દરમિયાન 600 ચોરસ મીટર સરકારી જમીન પરથી દબાણ હટાવી સરકારનો કબજો પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ જમીનની અંદાજિત બજારાકિંમત રૂા. 43.20 લાખ હોવાનું જણાવાયું હતું. વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ માંડવી ફોરેસ્ટની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં થયેલાં ગેરકાયદેસર દબાણોને લઈને અગાઉ સંબંધિત વ્યક્તિઓને નોટિસો આપવામાં આવી હતી.નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નનામી દરગાહ વિસ્તારમાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જમીન, માંડવી બીચ ખાતે પવનચક્કી નજીક આવેલા વિસ્તારોમાં 50, 150 તથા 100 ચોરસ મીટર જમીન તેમજ બાપા સીતારામની મઢુલી નજીક આવેલી 50 ચોરસ મીટર જમીન સહિત કુલ 600 ચોરસ મીટર સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 

Panchang

dd