ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાના અજાપરમાં બંધ
પડેલી કંપની ભાડે રાખવાનું કહી કંપનીમાંથી રૂા. 5,70,360ની પ્લેટો લઇ જઇ અન્યને પધરાવી દઇ બાદમાં કંપની ચાલુ ન કરતાં
શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. અજાપરમાં આવેલી સુરાણી પ્લાય નામની કંપની મુંબઇના શૈલેશ
પટેલની છે જે તેમના ભત્રીજા હિતેન પટેલ સંભાળતા હતા. બાદમાં હિતેને આ મૂકી દેતાં કંપની
બંધ પડી ગઇ હતી. દરમ્યાન, કંપનીના માર્કેટિંગ
હેડ તથા બનાવના ફરિયાદી હરેશ ઉર્ફે હર્ષ શામજી શાહએ આ કંપની ગાંધીધામના હરીશ ગોયલને
મહિને રૂા. 3,75,000 ભાડાંના
હિસાબે ભાડે આપવા વાત કરી હતી. આ વાત ચાલી રહી હતી દરમ્યાન ફરિયાદી કંપનીમાં આવતાં
પ્લાય બનાવવાની એલ્યુમિનિયમની 84 પ્લેટ નજરે
પડી નહોતી. દરમ્યાન, ફરિયાદી આધેડે
મેનેજર આર. કે. સરકારને આ અંગે પૂછતાં રાત્રે હરીશ ગોયલ ટ્રેક્ટર લઇને આવ્યો હતો અને
પોતે આ કંપની ભાડે રાખી હોવાથી પ્લેટો લઇ જવાનું કહીને લઇ ગયો હતો તેવું બહાર આવ્યું
હતું. ફરિયાદીએ તેને પ્લેટો કેમ લઇ ગયા તેવું પૂછતાં પ્લેટો બરોબર જગ્યાએ હોવાનું કહ્યું
હતું. બાદમાં આ પ્લેટો ઉમેશ આહીર, વિપુલ આહીરને આપી દીધી હોવાનું
ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. દરમ્યાન, ફરિયાદી આધેડે વારંવાર
ભાડે લીધેલ કંપની ચાલુ કરવાનું કહેતાં આરોપીએ તે ચાલુ કરી નહોતી અને પ્લેટો પણ પરત
કરી નહોતી. રૂા. 5,70,360ની
છેતરપિંડીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.