વડોદરા, તા. 30 (પ્રતિનિધિ) : મધ્ય ગુજરાત ક્ષેત્ર
માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી આવૃત્તિ દરમિયાન વડોદરાની ગુજરાત સ્ટેટ
ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ યુનિવર્સિટી ખાતે સમાપન થયું. આ બે દિવસીય કોન્ફરન્સના બીજા
દિવસે `આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં ડિફેન્સ
ક્ષેત્રે 2550 કરોડનાં રોકાણ
માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સહભાગીઓ પાસેથી ભારતને
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને તેને આગળ લઇ જવા માટે વિવિધ સૂચનો સાંભળીને
તેમની સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, `ઔદ્યોગિક
ક્ષેત્રમાં અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અહીં ઉપસ્થિત સ્ટાર્ટઅપ્સ
કે ઉદ્યોગોને કોઈ પ્રશ્નો હોય અથવા તો તેમની પાસે કોઈ સૂચનો હોય, તો અમને જણાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી વીજીઆરસીની સફળતાની ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું
કે, વડોદરામાં મધ્ય ગુજરાતની આ કોન્ફરન્સમાં સમગ્રતયા ત્રણ લાખ
34 હજાર કરોડથી વધુનાં રોકાણો
સાથે 3,759 એમઓયુ થયા છે. આના પરિણામે
આવનારા દિવસોમાં રાજ્યમાં એક લાખ 97 હજાર રોજગારીની સંભવિત તકો ઊભી થશે. આ કોન્ફરન્સનાં સમાપનમાં
મુખ્ય વક્તવ્ય રાજનાથ સિંહે કહ્યું કે, ભારતનાં સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 2014માં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન
46 હજાર કરોડનું હતું, જે પાછલા દશકમાં વધીને એક લાખ 78 હજાર કરોડ થયું છે. આ ઉપરાંત 39 હજાર કરોડનું એક્સપોર્ટ પણ
ભારતે કર્યું છે. એક સ્ટાર્ટઅપ તરીકે તમે સીધી સંરક્ષણ મંત્રીની એપોઇન્ટમેન્ટ લઈ શકો
છો. સેમિનારની શરૂઆત ગુજરાતના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને ઇન્ડેક્સ બીના મેનાજિંગ
ડાયરેક્ટર કે.સી. સંપત દ્વારા કરવામાં આવી
હતી. તેમણે સેમિનારમાં થનારી ચર્ચાઓ અંગેનો સંદર્ભ આપ્યો હતો. લઘુ ઉદ્યોગ ભારતીના જનરલ
સેક્રેટરી હંસરાજ ગજેરાએ `રોલ ઓફ એમએસએમઈ
ઇન ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન' (સંરક્ષણ સ્વદેશીકરણમાં
એમએસએમઈની ભૂમિકા) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.