કાઠડા (તા. માંડવી), તા. 30 : પી.ટી.સી.
અભ્યાસક્રમના ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી અને સ્વીકાર કેન્દ્ર ભુજમાં જિલ્લા
તાલીમ ભવનમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે માટે 25મી જૂનથી
ફોર્મ સ્વીકારાય છે. જે આગામી પાંચમી જુલાઈ સુધી ચાલશે. જે માટે આખા કચ્છમાં અનેક વિદ્યાર્થી
દૂર-દૂર ગામડેથી આવે છે, પરંતુ સ્વીકાર
કેન્દ્રમાં ઓછા સ્ટાફના લીધે બાળકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ ઊઠી છે. ગામોમાંથી
આવતા વિદ્યાર્થીઓને સવારથી સાંજ સુધી બેસી રહેવું પડે છે, ઘણા
વિદ્યાર્થીઓ તો જમ્યા વિના બેઠા હોય છે. ભલે અહીં વ્યવસ્થાના ભાગરૂપે ટોકન સિસ્ટમ અપનાવાઈ
છે, સવારના ભાગે 100 ટોકન અને એ વિદ્યાર્થીઓનું કામ પૂર્ણ થઈ જતાં બીજા ટોકન અપાય
છે, પરંતુ હાલ પ્રાથમિક શિક્ષકોની ભરતી વધારે હોતા
વિદ્યાર્થીઓ પી.ટી.સી. અભ્યાસને વધુ પસંદ કરતા હોઈ અહીં ધસારો ખૂબ વધ્યો છે,
જેના લીધે દૂર-દૂર ગામડેથી આવતા બાળકોને ફરીથી આવવું કે સવારથી સાંજ
સુધી રાહ જોવી વગેરે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, ત્યારે સ્વીકાર
કેન્દ્રમાં સ્ટાફ વધારાય તેવી માંગ ઊઠી છે. આ અંગે શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારનું
સંપર્ક કરતા તેઓએ સ્ટાફ વધારવાની ખાતરી આપી હતી, તો અહીં સ્થાનિકે
કામ કરતા શિક્ષકોએ જણાવ્યું હતું કે, એક-એક ફોર્મ ચકાસણી કર્યા
બાદ ઓનલાઈન સબમીટ કરાય છે અને જેમાં ક્યારેક નેટ બંધ થઈ એવા પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા
છે. - વાલીઓ અને બાળકોની વ્યથા : ફોર્મ ચકાસણી અને સ્વીકાર કેન્દ્ર માટે
અલગ-અલગ બેથી ત્રણ સેન્ટર હોવા જોઈએ. જેમ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ છે તેમ ફોર્મ
સ્વીકાર કેન્દ્રની આવી જ વ્યવસ્થા હોય, તો અહીં ધસારો ન રહે અને વિદ્યાર્થીઓને સમય સાથે આર્થિક બચત થાય.